વિદેશ જતા પહેલા કરજો તપાસ! સુરતમાંથી પકડાયું વિદેશ મોકલવાનું કૌભાંડ
- વિદેશ મોકલવાના બહાને થતી છેતરપિંડી
- વિદેશના મોકલવાના નામ પર પડાવતા પૈસા
- સુરત એસઓજી- ગુજરાત ATSએ રેકેટ ઝડપ્યું
સુરત: આજકાલ લોકોમાં વિદેશમાં ભણવાનો અને સ્થાયી થવાનો શોખ વધી રહ્યો છે. સારી વાત છે કે વિદેશ જઈને પોતાની લાઈફને વધારે સારી બનાવો, પણ વિદેશ જવા માટે એવા પણ પાગલ ન થવું કે કોઈ છેતરીને જતુ રહે.
સુરતમાં પણ આવી એક ઘટના બની છે જેમાં બોગસ પાસપોર્ટ અને વિઝા બનાવીને એક શખ્સ લોકોને વિદેશ મોકલતો હતો. સુરત એસઓજી અને ગુજરાત એટીએસે બોગસ પાસપોર્ટ અને વીઝાના આધારે અલગ-અલગ દેશોમાં લોકોને મોકલવાના રેકેટને ઝડપી પાડ્યું છે. પોલીસે મોટા વરાછામાંથી આરોપી મોહમ્મદ ઇરફાન ઐયુબ ઇસ્માઇલ આદમની ધરપકડ કરી છે.
સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર સુરત એસઓજી અને ગુજરાત એટીએસને આ કૌભાંડની બાતમી મળી હતી કે, મોહંમદ ઈરફાન ઐયુબ નાનો શખ્સ લોકોને વિદેશ મોકલવા સેટિંગ કરે છે. તે વાયા પાકિસ્તાન થઈને લોકોને યુરોપ, આફ્રિકા, કેનેડા અને યુકેમાં મોકલે છે. એરપોર્ટ પર તેનુ સેટિંગ છે. તેથી પોલીસે ગઈકાલે તેની ઓફિસમાં દરોડા પાડ્યા હતા. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા પણ થયા.
પોલીસે દરોડા દરમિયાન કેટલાક દેશોના નકલી પાસપોર્ટ પણ કબ્જે કર્યા છે જેમાં નેપાલ, આર્મેનીયા, તુર્કી, મલેશિયા, દક્ષિણ આફ્રિકા, કેનેડા,અમેરિકા, પેરૂ તથા નાઇઝીરિયાના પાસપોર્ટ છે. આરોપીના ફોનમાંથી 50થી વધુ બોગસ પાસપોર્ટને લગતા ફોટો અને ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા છે.