Site icon Revoi.in

કાશ્મીરમાં પાકિસ્તાનના એજન્ડાને પ્રોત્સાહન આપવાની કોશિશ ન કરવા પીએમની વિપક્ષને અપીલ

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મહારાષ્ટ્રના ધુલેમાં ચૂંટણી રેલીને સંબોધીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. તેમણે મહાવિકાસ અઘાડી (MVA) પર આકરા પ્રહાર કર્યાં હતા. દરમિયાન પીએમ મોદીએ કાશ્મીરમાં પાકિસ્તાનના એજન્ડાને પ્રોત્સાહન આપવાની કોશિશ ન કરવા માટે વિપક્ષને વિનંતી કરી હતી.

તેમણે કહ્યું, ‘જ્યારે પણ મેં મહારાષ્ટ્ર પાસેથી કંઈપણ માંગ્યું છે, ત્યારે મહારાષ્ટ્રના લોકોએ મને ઉદારતાથી તેમના આશીર્વાદ આપ્યા છે. હું 2014ની વિધાનસભા ચૂંટણી વખતે તમારી વચ્ચે ધુળે આવ્યો હતો. મેં તમને મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર માટે વિનંતી કરી હતી. તમે મહારાષ્ટ્રમાં 15 વર્ષના લાંબા રાજકીય ચક્રને તોડીને ભાજપને અભૂતપૂર્વ જીત અપાવી. આજે હું ફરી એકવાર અહીં ધુળેની ધરતી પર આવ્યો છું. હું ધુલેથી જ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી રહ્યો છું.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘મહારાષ્ટ્રની જનતાએ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને એનડીએની જીતનું રણશિંગુ ફુક્યું છે. વિકસિત મહારાષ્ટ્ર અને વિકસિત ભારત માટે આપણી બહેનો અને દીકરીઓનું જીવન સરળ બનાવવું અને તેમને સશક્ત બનાવવું ખૂબ જ જરૂરી છે. જ્યારે મહિલાઓ આગળ વધે છે ત્યારે સમગ્ર સમાજ ઝડપથી આગળ વધે છે. તેથી છેલ્લા 10 વર્ષમાં કેન્દ્ર સરકારે મહિલાઓને કેન્દ્રમાં રાખીને મોટા નિર્ણયો લીધા છે.

તેમણે કહ્યું, ‘ભાજપે હંમેશા ‘સબકા સાથ-સબકા વિકાસ’ના ઈરાદા સાથે કામ કર્યું છે. આપણો આદિવાસી સમાજ પણ આ ઠરાવનો મહત્વનો ભાગ છે. આ એ સમાજ છે જેણે દેશની આઝાદી અને વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. પરંતુ કોંગ્રેસ અને તેના સાથીઓએ ક્યારેય આદિવાસી ગૌરવ અને આદિવાસી સ્વાભિમાન પર ધ્યાન આપ્યું નથી.

વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘હું તમને ખાતરી આપું છું કે છેલ્લા અઢી વર્ષમાં મહારાષ્ટ્રના વિકાસની ગતિને રોકવા નહીં દેવાય. આગામી 5 વર્ષ મહારાષ્ટ્રની પ્રગતિને નવી ઊંચાઈએ લઈ જશે. મહારાષ્ટ્રને જે સુશાસનની જરૂર છે તે માત્ર મહાયુતિ સરકાર જ આપી શકે છે. બીજી તરફ, મહા આઘાડીના વાહનમાં ન તો વ્હીલ છે કે ન તો બ્રેક્સ અને ડ્રાઇવર સીટ પર બેસવા માટે પણ લડાઈ થઈ રહી છે.

તેમણે વધુમાં કહ્યું કે, ‘કોંગ્રેસે કલમ 370 દ્વારા કાશ્મીરને દેશના મુખ્ય પ્રવાહથી અલગ કરી દીધું. કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકરના બંધારણને 75 વર્ષ સુધી કાશ્મીરમાં લાગુ થવા દીધું ન હતું. તેઓએ જવાબ આપવો પડશે. આ પરિવાર વર્ષો સુધી શાસન કરતો રહ્યો છતાં બંધારણનો અમલ થયો ન હતો. દેશમાં બે બંધારણ હતા. પછી મોદી આવ્યા, ત્યારે જ જમ્મુ-કાશ્મીરમાં બાબા સાહેબનું બંધારણ લાગુ થયું. દેશમાં માત્ર બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન ચાલશે, આ મોદીનો નિર્ણય છે.