નવી દિલ્હીઃ વડાપ્ર)ધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 31મી ડિસેમ્બર 2024 સુધી પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (PMAY-U) ચાલુ રાખવા માટે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA)ની દરખાસ્તને મંજૂરી આપી છે જેમાં નાણાકીય સહાય ચુકવાય છે. 31મી માર્ચ 2022 પહેલાથી જ મંજૂર થયેલા 122.69 લાખ મકાનોને પૂર્ણ કરવા માટે સહાય પ્રદાન કરવામાં આવશે.
PMAY-U: હાઉસિંગ ફોર ઓલ એ એક મુખ્ય ફ્લેગશિપ પ્રોગ્રામ છે જે ભારત સરકાર દ્વારા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશો/કેન્દ્રીય નોડલ એજન્સીઓ દ્વારા દેશના શહેરી વિસ્તારોમાં તમામ પાત્ર લાભાર્થીઓને તમામ વાતાવરણમાં અનુકૂળ પાકાં મકાનો પ્રદાન કરવા માટે અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. આ યોજના દેશના સમગ્ર શહેરી વિસ્તારને આવરી લે છે, એટલે કે, 2011ની વસતી ગણતરી મુજબના તમામ વૈધાનિક નગરો અને ત્યારબાદ સૂચિત કરાયેલા નગરો, જેમાં સૂચિત આયોજન/વિકાસ વિસ્તારોનો સમાવેશ થાય છે. આ યોજના ચાર વર્ટિકલ્સ દ્વારા અમલમાં મુકવામાં આવી રહી છે: લાભાર્થી લેડ કન્સ્ટ્રક્શન/ એન્હાન્સમેન્ટ (BLC), એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ (AHP), ઇન-સીટુ સ્લમ રિડેવલપમેન્ટ (ISSR) અને ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ (CLSS). જ્યારે ભારત સરકાર નાણાકીય સહાય પૂરી પાડે છે, ત્યારે રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશો લાભાર્થીઓની પસંદગી સહિતની યોજનાનો અમલ કરે છે.
2004-2014ના સમયગાળા દરમિયાન, શહેરી આવાસ યોજના હેઠળ 8.04 લાખ મકાનો પૂર્ણ થયા હતા. મોદી સરકાર હેઠળ, તમામ પાત્ર શહેરી રહેવાસીઓને સંતૃપ્તિ મોડમાં મકાનો આપવાના મુદ્દાને ધ્યાન પર લાવવામાં આવ્યો હતો અને PMAY-અર્બન યોજનાની કલ્પના કરવામાં આવી હતી. 2017માં મૂળ અંદાજિત માગ 100 લાખ મકાનોની હતી. આ મૂળ અનુમાનિત માગની સામે, 102 લાખ મકાનો ગ્રાઉન્ડ/કન્સ્ટ્રકશન હેઠળ છે. વધુમાં, આમાંથી 62 લાખ મકાનો પૂર્ણ થઈ ગયા છે.
કુલ મંજૂર થયેલા 123 લાખ મકાનોમાંથી, 40 લાખ મકાનોની દરખાસ્તો રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો તરફથી મોડી (યોજનાના છેલ્લા 2 વર્ષ દરમિયાન) પ્રાપ્ત થઈ હતી જેને પૂર્ણ કરવા માટે બીજા બે વર્ષનો સમય લાગે એમ છે. તેથી, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની વિનંતીઓના આધારે, કેન્દ્રીય કેબિનેટે PMAY-U ના અમલીકરણની અવધિ 31.12.2024 સુધી લંબાવવાનો નિર્ણય કર્યો. 31મી ડિસેમ્બર 2024 સુધી રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની વિનંતી પર આધારિત યોજના ચાલુ રાખવાથી BLC, AHP અને ISSR વર્ટિકલ્સ હેઠળ પહેલાથી જ મંજૂર થયેલા મકાનોને પૂર્ણ કરવામાં મદદ મળશે.