વડોદરામાં PM આવાસ યોજનાના મકાનોના ફોર્મ ભરાયાંને વર્ષ વીતી ગયું છતાંયે હજુ ડ્રો કરાયો નથી
વડોદરાઃ શહેરમાં ગરીબ મધ્યમ વર્ગને રાહત દરે પ્રધાનમંત્રી આવાસ મળી રહે તે માટે એક વર્ષ પૂર્વે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઓનલાઇન ફોર્મ ભરાવવામાં આવ્યા હતા પરંતુ હજી સુધી મકાનોનો ડ્રો કરવામાં આવ્યો નથી. જેથી મધ્યમ અને ગરીબ વર્ગના લોકો મકાનનો ડ્રો થાય તે માટે ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. એક વર્ષથી વધુ સમય વિતી ગયો હોવા છતાંયે મકાનોનો ડ્રો કેમ કરવામાં આવતો નથી. તેની મ્યુનિ.ના પદાધિકારીઓને પણ ખબર નથી.
સૂત્રોના કહેવા મુજબ વડોદરા શહેરમાં એક વર્ષ અગાઉ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મકાનોનો ડ્રો કરવામાં આવ્યો હતો જેમાં ભાજપના જ એક કોર્પોરેટરના ઇશારે યાદી બદલી નાખવામાં આવી હતી. જે મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો ત્યારબાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ડ્રોની પદ્ધતિમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું હતું અને રાજ્ય સરકારનું માર્ગદર્શન મેળવી તેઓ દ્વારા જે રીતે ડ્રો કરવામાં આવે છે તે પ્રમાણે ડ્રો કરવાનું નક્કી થયું હતું. જેથી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભૂતકાળની જેમ કૌભાંડ થાય નહીં તેની તકેદારી રાખવામાં આવશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઇકોનોમિક વિકર સેકસન ( ઇડબલ્યુએસ)ના મકાનો માટે ઓનલાઇન અરજી ફોર્મ સ્વીકારવાની શરૂઆત ગત વર્ષે તારીખ 22-10-2022 ના રોજ કરવામાં આવી હતી અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 જાન્યુઆરી 2023 હતી તે દરમિયાનમાં કોર્પોરેશનને 2152 મકાનના ડ્રો માટે કુલ 6930 ફોર્મ મળ્યા હતા.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વડોદરા શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઇડબલ્યુએસ મકાનની સ્કીમમાં કલાલી વિસ્તારમાં 1,900 મકાન માટે 2000 ફોર્મ આવ્યા હતા જ્યારે હરણી વિસ્તારના 58 મકાન માટે 2,500 ફોર્મ, તથા સુભાનપુરાના 74 મકાન માટે 1,400 ફોર્મ અને ગોત્રી વિસ્તારમાં 120 મકાન માટે 1030 ફોર્મ આવ્યા હતા. આ ફોર્મમાંથી કેટલાક લોકોના ફોર્મ કેન્સલ પણ થયા છે અને કુલ 6930 ફોર્મ નો ડ્રો કરવાનો છે. પરંતુ એક વર્ષથી વધુ સમય થઈ ગયો છતાં ગરીબ મધ્યમ વર્ગ માટેના EWS મકાનોનો ડ્રો કરવામાં વિલંબ થઈ રહ્યો છે.