PM Cares Fund: માત્ર દેશ જ નહીં વિદેશમાંથી પણ ઘણું ડોનેશન મળ્યું,3 વર્ષમાં બહારથી આવ્યા આટલા કરોડ
દિલ્હી : કોરોના મહામારી સામે લડવા માટે વર્ષ 2020 માં બનાવવામાં આવેલા પીએમ કેર ફંડમાં માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ ઘણું યોગદાન આપવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ 535.44 કરોડ રૂપિયા વિદેશી દાન સ્વરૂપે આપવામાં આવ્યા છે. આ દાન છેલ્લા ત્રણ વર્ષમાં આપવામાં આવ્યું છે. પીએમ કેર ફંડની રસીદ અને ચુકવણી ખાતા અનુસાર, નાણાકીય વર્ષ 2019-20માં રૂ. 0.40 કરોડનું દાન કરવામાં આવ્યું હતું, જ્યારે વર્ષ 2020-21માં રૂ. 494.92 કરોડ અને ત્યારબાદ 2021-22માં રૂ. 40.12 કરોડનું દાન કરવામાં આવ્યું હતું.
આવી સ્થિતિમાં, નાણાકીય વર્ષ 2020-21માં સૌથી વધુ વિદેશી દાન આપવામાં આવ્યું છે. આ તે સમય હતો જ્યારે દેશ કોરોના વાયરસની પ્રથમ લહેર સામે લડી રહ્યો હતો. બીજી તરફ, બીજા વર્ષે જ્યારે કોરોનાનો પ્રકોપ ચરમસીમાએ હતો ત્યારે પીએમ કેર ફંડમાં વિદેશી દાનની રકમમાં ભારે ઘટાડો થયો અને માત્ર 40.12 કરોડ રૂપિયા જ દાનમાં આવ્યા.અહેવાલ મુજબ PM કેર ફંડમાં વિદેશી દાનની વ્યાજની આવક તરીકે 24.84 કરોડ રૂપિયા આવ્યા છે.
બીજી તરફ સ્વૈચ્છિક દાનની વાત કરીએ તો વિદેશી દાનની જેમ તેમાં પણ વર્ષ 2020-21માં ઘણો વધારો થયો હતો, પરંતુ તેના હેઠળ દાનમાં આપવામાં આવતી રકમમાં આવતા વર્ષે જ ઘટાડો થયો હતો. સ્વૈચ્છિક યોગદાન હેઠળ, વર્ષ 2021માં 7183.77 કરોડ રૂપિયાનું દાન કરવામાં આવ્યું હતું જ્યારે વર્ષ 2021-22માં આ રકમ ઘટીને 1,896.76 રૂપિયા થઈ ગઈ હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 માર્ચ, 2020ના રોજ કોરોના મહામારીને પહોંચી વળવા લોકોના સહયોગ માટે પીએમ કેર ફંડની જાહેરાત કરી હતી. જોકે ત્યારથી તે વિવાદમાં આવ્યું.1 એપ્રિલ, 2020 ના રોજ એક આરટીઆઈ પણ દાખલ કરવામાં આવી હતી, જેમાં પીએમ કેર ફંડ સંબંધિત તમામ માહિતી માંગવામાં આવી હતી.
આ પહેલા પણ એક રિપોર્ટ આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં સરકારી કંપનીઓએ પણ આ ફંડમાં ઘણા પૈસા આપ્યા છે. માહિતી અનુસાર, આમાં સરકારી કંપનીઓએ 2900 કરોડથી વધુનું યોગદાન આપ્યું હતું. રિપોર્ટ અનુસાર, છેલ્લા ત્રણ વર્ષમાં 57 સરકારી કંપનીઓ દ્વારા 2913.6 કરોડ રૂપિયાનું દાન કરવામાં આવ્યું હતું, જે કુલ દાનના 59.3 ટકા હોવાનું કહેવાય છે.