સુરત: ભારતીય કાપડ ઉદ્યોગ એ ઉત્પાદન ક્ષમતા તેમજ રો-મટિરિયલ બેઝ્ડ વિશ્વના સૌથી મોટા ઉદ્યોગોમાંનો એક છે. કેન્દ્ર સરકારે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ, ઉત્પાદન અને લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો, ટેક્નોલોજીના અપગ્રેડેશન, કૌશલ્યવર્ધન કરી કાપડ ક્ષેત્રને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાનું લક્ષ્ય સેવ્યું છે. આ લક્ષ્યને સિદ્ધ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પી.એમ. મિત્ર (મેગા ઈન્ટીગ્રેટેડ ટેક્ષ્ટાઈલ રિજન એન્ડ એપેરલ-PM MITRA) પાર્ક’ મેગા પ્રોજેક્ટનું સ્વપ્ન સેવ્યું છે. આ સ્વપ્નને મૂર્ત સ્વરૂપ આપવા દેશના સાત રાજ્યોમાં ‘પી.એમ. મિત્ર પાર્ક’ સ્થાપી કાપડ ઉદ્યોગને લાર્જ સ્કેલ બનાવવા, વૈશ્વિક કાપડ બજારમાં ભારતને ઉચ્ચ સ્થાન અપાવવા, ગુણવત્તાયુક્ત સ્પર્ધાત્મક વાતાવરણ પૂરૂ પાડવા અને મોટા પાયે વિશ્વ કક્ષાની સંકલિત ઔદ્યોગિક સુવિધાઓ વિકસાવવા માટે કમર કસી છે. જેમાં ગુજરાતના નવસારી જિલ્લા સહિત દેશના સાત રાજ્યોમાં ટેક્ષ્ટાઈલ પાર્ક નિર્માણ કરવાની મંજૂરી આપી દીધી છે.
નવસારીમાં ટેક્સટાઈલ પાર્કના નિર્માણ માટે આગામી તા.13મી જુલાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રત્યક્ષ અને વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે એમ.ઓ.યુ. થશે. ગુજરાતના નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી બોરસી ખાતે 1141 એકરમાં સાકાર થનાર મેગા ઈન્ટીગ્રેટેડ એપરલ પાર્ક દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં રોજગારીની નવી તકોનું સર્જન કરવાની સાથે ગુજરાતના ટેક્ષ્ટાઈલ ઉદ્યોગને વેગવંતો બનાવશે. આ પહેલ ‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘મેક ફોર ધ વર્લ્ડ’નું ઉત્તમ ઉદાહરણ સિદ્ધ કરશે. પી એમ મિત્ર પાર્કની સ્થાપના ગુજરાત માટે મોટી ઉપલબ્ધિ સમાન છે. ગુજરાતમાં એક માત્ર નવસારીના વાંસીબોરસી ખાતે નિર્માણ પામનાર પી એમ મિત્ર પાર્કથી એક લાખ પ્રત્યક્ષ અને બે લાખ પરોક્ષ નોકરીઓનું સર્જન થશે.
કેન્દ્રીય કાપડ મંત્રાલયે ગુજરાતના નવસારીના વાંસી બોરસી સહિત સાત રાજ્યોમાં સાત પી.એમ. મિત્ર પાર્ક મંજૂર કર્યા છે. રૂ.4445 કરોડના ખર્ચે દેશના 7રાજ્યોમાં પ્રત્યેકમાં એક એવા કુલ 7 મેગા ઈન્ટિગ્રેટેડ ટેક્ષ્ટાઈલ રિજન એન્ડ એપેરલ (PM MITRA) પાર્ક્સ સાકાર કરવામાં આવશે. અહીં કોટન ટુ થ્રેડ, થ્રેડ ટુ ગારમેન્ટ મેન્યુફેક્ચરીંગ અને ફિનિશ્ડ ગારમેન્ટનું વેચાણ અને નિકાસ એક જ જગ્યાથી કરવામાં આવશે, જે વડાપ્રધાનના 5F વિઝન (ફાર્મ ટુ ફાઈબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફોરેન)ને સાકાર કરવામાં સહાયરૂપ થશે. આ પાર્ક્સ ભારતને સંયુક્ત રાષ્ટ્રના 9 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ હાંસલ કરવામાં સહાયક બનશે.
વડાપ્રધાન હંમેશા સ્થિતિસ્થાપક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ, ટકાઉ ઔદ્યોગિકીકરણ અને નવીનતાને પ્રોત્સાહન આપવા હરહંમેશ પ્રયત્નશીલ રહ્યા છે, ત્યારે પીએમ મિત્ર પાર્કમાં વિશ્વ કક્ષાનું ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ‘કટીંગ એજ ટેક્નોલોજી’ને આકર્ષિત કરશે અને ટેક્ષ્ટાઈલ સેક્ટરમાં સીધા વિદેશી મૂડી રોકાણ (એફડીઆઈ) અને સ્થાનિક રોકાણને વેગ આપશે. આ યોજના કાપડના વૈશ્વિક બજારમાં ભારતને મજબૂત સ્થાન અપાવશે. PM મિત્ર યોજના વડાપ્રધાનના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને પરિપૂર્ણ કરવા અને કાપડ ઉદ્યોગના વૈશ્વિક નકશા પર ભારતને અગ્રિમ સ્થાન આપશે. મિત્ર પાર્ક એક જ સ્થળે, એક જ છત્ર નીચે સ્પિનિંગ, વિવીંગ, પ્રોસેસિંગ/ડાઈંગ અને પ્રિન્ટિંગથી લઈને ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ સુધીની ઈન્ટિગ્રેટેડ ટેક્ષ્ટાઈલ વેલ્યુ ચેઈન બનાવશે. આ ઈન્ટીગ્રેટેડ ટેક્ષ્ટાઈલ વેલ્યુ ચેઈન ઉદ્યોગના લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો કરશે.