દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે જયપુર મહાખેલને સંબોધન કર્યું હતું.આ પ્રસંગે તેમણે કબડ્ડી મેચ પણ નિહાળી હતી. જયપુર ગ્રામીણથી લોકસભાના સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડ વર્ષ 2017થી જયપુર મહાખેલનું આયોજન કરી રહ્યા છે.
જનમેદનીને સંબોધતા વડાપ્રધાન આ મેગા કૉમ્પિટિશનમાં મેડલ જીતનારા ખેલાડીઓ, કોચીસ અને પરિવારજનોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે નોંધ્યું હતું કે, ખેલાડીઓએ માત્ર ભાગ લેવા માટે જ નહીં પરંતુ જીતવા અને શીખવા માટે રમતનાં મેદાનને શોભાવ્યું છે. વડાપ્રધાનએ કહ્યું હતું કે, “જ્યારે તેમાં શીખવાની વાત હોય, ત્યારે જ વિજય સુનિશ્ચિત થાય છે.”તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈ પણ ખેલાડી ખાલી હાથે રમતગમતનું મેદાન છોડતો નથી.
રમતગમતનાં ક્ષેત્રમાં ભારતનું નામ નવી ઊંચાઈએ લઈ જનારા અનેક પ્રસિદ્ધ ચહેરાઓની આ સ્પર્ધામાં ઉપસ્થિતિનું અવલોકન કરતા વડાપ્રધાનએ રામસિંહ- એશિયન ગેમ્સ મેડાલીસ્ટ, પેરા-ઍથ્લીટ દેવેન્દ્ર ઝાઝરિયા- ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડથી સન્માનિત, સાક્ષી કુમારી- અર્જુન એવોર્ડથી સન્માનિત અને અન્ય વરિષ્ઠ રમતવીરોનું નામ આપ્યું હતું. વડાપ્રધાનએ આનંદ વ્યક્ત કર્યો હતો કે, ભારતના આ પ્રસિદ્ધ ચહેરાઓ જયપુર મહાખેલમાં યુવાન રમતવીરોને સાથસહકાર આપવા માટે આગળ આવ્યા છે.
વડાપ્રધાનએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં રમતગમતની સ્પર્ધાઓ અને ખેલ મહાકુંભોની જે શ્રેણીઓનું આયોજન થઈ રહ્યું છે, તે આમાં થઈ રહેલાં મહાન પરિવર્તનોનું પ્રતિબિંબ છે. રાજસ્થાનની ધરતી યુવાનોના જુસ્સા અને જોશ માટે જાણીતી છે તેની નોંધ લઈને વડાપ્રધાનએ કહ્યું હતું કે, ઇતિહાસ એ વાતનો પુરાવો છે કે, આ ભૂમિનાં બાળકોએ તેમનાં શૌર્ય સાથે યુદ્ધનાં મેદાનોને રમતગમતનાં મેદાનમાં પરિવર્તિત કરી દીધાં છે. વડાપ્રધાનએ કહ્યું હતું કે, “જ્યારે રાષ્ટ્રની સુરક્ષાની વાત આવે છે, ત્યારે રાજસ્થાનના યુવાનો હંમેશા અન્યો કરતાં આગળ આવે છે.” તેમણે આ વિસ્તારના યુવાનોની માનસિક અને શારીરિક ક્ષમતાઓને આકાર આપવા માટે રાજસ્થાનની રમતગમતની પરંપરાઓને શ્રેય આપ્યો હતો. તેમણે દડા, સતોલિયા અને રૂમાલ ઝપટ જેવી પરંપરાગત રમતોનું ઉદાહરણ આપ્યું હતું, જે મકરસંક્રાંતિ દરમિયાન આયોજિત થાય છે અને સેંકડો વર્ષોથી રાજસ્થાનની પરંપરાઓનો ભાગ રહી છે.
પોતાનાં રમતગમતનાં યોગદાન સાથે તિરંગાને નવી ઊંચાઈએ લઈ જનારા રાજસ્થાનના અસંખ્ય રમતવીરો પર ટિપ્પણી કરતાં વડાપ્રધાનએ ધ્યાન દોર્યું હતું કે, જયપુરનાં લોકોએ પોતાના સાંસદ તરીકે એક ઑલિમ્પિક મેડલ વિજેતાની પસંદગી કરી છે. તેમણે સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડનાં યોગદાનની નોંધ લીધી હતી અને એ બાબત પર આનંદ વ્યક્ત કર્યો હતો કે, તેઓ સાંસદ રમતગમત સ્પર્ધાઓ સ્વરૂપે પ્રદાન કરીને યુવા પેઢીને પરત આપી રહ્યા છે. વડાપ્રધાનએ વધારે વિસ્તૃત પરિણામો માટે આ પ્રકારના પ્રયાસોને વિસ્તારવા પર ભાર મૂક્યો હતો અને જયપુર મહાખેલનાં સફળ આયોજનને આ પ્રયાસોની દિશામાં આગામી મહત્ત્વપૂર્ણ કડી ગણાવ્યું હતું. જયપુર મહાખેલની સફળતાનો ઉલ્લેખ કરીને વડાપ્રધાનએ માહિતી આપી હતી કે, આ વર્ષે આ સ્પર્ધાનાં સંસ્કરણમાં 600થી વધારે ટીમો અને 6,500 યુવાનોએ ભાગ લીધો છે. તેમણે 125થી વધુ છોકરીઓની ટીમોની ભાગીદારીની પણ નોંધ લીધી હતી જે એક સુખદ સંદેશ આપે છે.
વડાપ્રધાનએ કહ્યું હતું કે, “આઝાદીના અમૃત કાળમાં દેશ નવી વ્યાખ્યાઓ ઘડી રહ્યો છે અને નવી વ્યવસ્થા ઊભી કરી રહ્યો છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આખરે રમતગમતને રાજકીય નહીં પણ રમતવીરના દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, યુવાનો માટે કશું જ અશક્ય નથી અને જ્યારે તેમનું સામર્થ્ય, સ્વાભિમાન, સ્વાવલંબન, સુવિધાઓ અને સંસાધનોની શક્તિ મળે છે, ત્યારે દરેક ઉદ્દેશ સરળ બને છે.
વડાપ્રધાનએ કહ્યું હતું કે, આ પ્રકારના અભિગમની ઝાંખી આ વખતનાં બજેટમાં પણ જોઇ શકાય છે. તેમણે માહિતી આપી હતી કે, રમત મંત્રાલયને ચાલુ વર્ષે 2500 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જ્યારે વર્ષ 2014 અગાઉ આ આંકડો 800-850 કરોડ હતો. તેમણે કહ્યું હતું કે, “વર્ષ 2014થી અત્યાર સુધીમાં દેશનું રમતગમતનું બજેટ લગભગ ત્રણ ગણું વધી ગયું છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એકલા ‘ખેલો ઇન્ડિયા’ અભિયાન માટે જ 1000 કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે, જે દેશમાં રમતગમતની સુવિધાઓ અને સંસાધનોના વિકાસ પાછળ ખર્ચાશે.
વડાપ્રધાનએ નોંધ્યું હતું કે, ભારતના યુવાનોમાં રમતગમત પ્રત્યેની પ્રતિભા અને જુસ્સાનો કોઈ અભાવ નથી, પણ સંસાધનો અને સરકારનો સાથસહકાર ન મળવાને કારણે અવરોધો ઊભા થયા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રમતવીરો દ્વારા સામનો કરવામાં આવતી આ સમસ્યાઓનું આજે સમાધાન થઈ રહ્યું છે. વડાપ્રધાનએ છેલ્લાં 5-6 વર્ષથી આયોજિત કરવામાં આવતા જયપુર મહાખેલનું ઉદાહરણ આપીને કહ્યું હતું કે ભાજપના સાંસદો દ્વારા દેશના દરેક ભાગમાં ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે, જેમાં હજારો યુવાનોની પ્રતિભા સામે આવી રહી છે.
વડાપ્રધાનએ આ સફળતાઓનો શ્રેય કેન્દ્ર સરકારને આપ્યો હતો, કારણ કે જિલ્લા અને સ્થાનિક સ્તરે રમતગમતની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. દેશના સેંકડો જિલ્લાઓમાં લાખો યુવાનો માટે રમતગમતની માળખાગત સુવિધાઓના વિકાસ વિશે માહિતી આપતા વડાપ્રધાનએ રાજસ્થાન રાજ્ય પર પ્રકાશ પાડ્યો હતો, જ્યાં ઘણાં શહેરોમાં રમતગમતની માળખાગત સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. વડાપ્રધાનએ કહ્યું હતું કે, “અત્યારે દેશમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટીઓની સ્થાપના થઈ રહી છે અને ખેલ મહાકુંભ જેવા મોટા કાર્યક્રમોનું પણ વ્યાવસાયિક રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે.” તેમણે નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટી તરફ ધ્યાન દોર્યું હતું, જેને ચાલુ વર્ષે મહત્તમ બજેટ ફાળવવામાં આવ્યું છે. તેમણે સ્પોર્ટ્સ મેનેજમેન્ટ અને સ્પોર્ટ્સ ટેકનોલોજી સાથે સંબંધિત દરેક શિસ્ત શીખવા માટે વાતાવરણ ઊભું કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેથી યુવાનો માટે આ ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવાની તક ઊભી થશે.
વડાપ્રધાનએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “અમારી સરકાર ધ્યાન આપે છે કે પૈસાના અભાવે કોઈ પણ યુવાન પાછળ ન રહે.” તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર હવે શ્રેષ્ઠ દેખાવ કરનારા ખેલાડીઓને વાર્ષિક રૂ. 5 લાખ સુધીનો ટેકો આપી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મુખ્ય સ્પોર્ટ્સ એવોર્ડમાં અપાતી રકમમાં પણ ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે. ખેલાડીઓને ઑલિમ્પિક માટે વર્ષોથી તૈયારી કરવાની તક આપતી ટોપ્સ જેવી યોજનાઓનું ઉદાહરણ આપીને વડાપ્રધાનએ કહ્યું હતું કે, સરકાર ઑલિમ્પિક જેવી મોટી વૈશ્વિક સ્પર્ધાઓમાં પણ તેના ખેલાડીઓની સાથે સંપૂર્ણ શક્તિ સાથે ઊભી છે.
રમતગમતનાં ક્ષેત્રમાં જ નહીં, પણ રોજિંદાં જીવનમાં પણ ફિટનેસ જાળવવાની જરૂરિયાત પર ભાર મૂકીને વડાપ્રધાનએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈ પણ ખેલાડી માટે આ સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે. તેમણે કહ્યું હતું કે, “તમે ફિટ રહેશો, તો જ તમે સુપરહિટ થશો.” તેમણે ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા જેવાં અભિયાનોનો ઉલ્લેખ કર્યો હતો અને ફિટનેસમાં આહાર અને પોષણની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. વડાપ્રધાનએ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય બાજરીનાં વર્ષ તરીકે ઉજવવાની જાણકારી આપી હતી અને નોંધ્યું હતું કે, રાજસ્થાનમાં બાજરી- શ્રી અન્નની ખૂબ જ સમૃદ્ધ પરંપરા છે. વડાપ્રધાનએ અહીં બાજરીની રાબ અને ચુરમાને યાદ કરતાં કહ્યું હતું કે, “રાજસ્થાનના શ્રી અન્ન-બાજરી અને શ્રી અન્ન-જુવાર આ સ્થળની ઓળખ છે.” તેમણે તમામ યુવાનોને અપીલ કરી હતી કે તેઓ શ્રી અન્નને તેમના આહારમાં સામેલ તો કરે જ, સાથે તેના બ્રાન્ડ એમ્બેસેડર પણ બને.
વડાપ્રધાનએ દેશ યુવાનોના સર્વાંગી વિકાસ માટે કામ કરી રહ્યો હોવાનું ઉજાગર કર્યું હતું અને જણાવ્યું હતું કે, આજની યુવા પેઢી તેમની બહુ-પ્રતિભાશાળી અને બહુઆયામી ક્ષમતાઓને કારણે માત્ર એક જ ક્ષેત્ર પૂરતી મર્યાદિત રહેવા નથી માગતી. વડાપ્રધાનએ માહિતી આપી હતી કે, એક તરફ રમતગમતની આધુનિક માળખાગત સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે, ત્યારે આ બજેટમાં બાળકો અને યુવાનો માટે એક રાષ્ટ્રીય ડિજિટલ લાઇબ્રેરીની પણ દરખાસ્ત કરવામાં આવી છે, જેમાં વિજ્ઞાન, સંસ્કૃત અને ઇતિહાસ જેવા દરેક વિષય પરનાં પુસ્તકો શહેરથી ગામડે દરેક સ્તરે ઉપલબ્ધ થશે.
વડાપ્રધાનએ જણાવ્યું હતું કે, “રમતગમત એ માત્ર એક કળા જ નથી, પણ એક ઉદ્યોગ છે.” તેમણે ધ્યાન દોર્યું કે રમતગમત સાથે સંબંધિત ચીજવસ્તુઓ અને સંસાધનોનું નિર્માણ કરતા એમએસએમઇ મારફતે મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળી રહી છે. તેમણે રમતગમત ક્ષેત્ર સાથે સંબંધિત એમએસએમઇને મજબૂત કરવા માટે બજેટમાં કરવામાં આવેલી ઘણી મહત્વપૂર્ણ ઘોષણાઓ વિશે માહિતી આપી હતી. તેમણે વડાપ્રધાન વિશ્વકર્મા કૌશલ સન્માન એટલે કે પીએમ વિકાસ યોજનાનું ઉદાહરણ આપ્યું હતું, જે મેન્યુઅલ કૌશલ્ય અને હાથનાં સાધનો ધરાવતાં લોકોને ખૂબ મદદરૂપ થશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના દ્વારા તેમને આપવામાં આવેલી નાણાકીય સહાયથી આપણા યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે, જેથી તેમના માટે નવાં બજારો ઊભાં થશે.
સંબોધનનાં સમાપનમાં વડાપ્રધાનએ ટિપ્પણી કરી હતી કે, “જ્યારે હૃદયપૂર્વક પ્રયાસ કરવામાં આવે છે, ત્યારે પરિણામો નિશ્ચિત હોય છે.” તેમણે ટોક્યો ઑલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન દેશ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોને પ્રકાશિત કરતા કહ્યું કે પરિણામો દરેકની સામે દેખાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જયપુર મહાખેલ દરમિયાન કરવામાં આવેલા પ્રયાસોનાં ભવિષ્યમાં અદ્ભૂત પરિણામો મળશે. વડાપ્રધાનએ કહ્યું હતું કે, “દેશ માટે આગામી સુવર્ણ અને રજત ચંદ્રક વિજેતાઓ તમારી વચ્ચેથી બહાર આવશે. જો તમે દ્રઢ નિશ્ચયી હશો તો ઑલિમ્પિકમાં પણ તિરંગાની શોભા વધારશો. તમે જ્યાં પણ જશો, દેશનું નામ રોશન કરશો. મને ખાતરી છે કે, આપણા યુવાનો દેશની સફળતાને વધુ આગળ લઈ જશે,” એમ વડાપ્રધાનએ સમાપન કર્યું.
આ પ્રસંગે જયપુર ગ્રામીણથી લોકસભાના સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડ અને અન્યો ઉપસ્થિત રહ્યા હતા.