પીએમ મોદીએ વર્લ્ડ બૅન્કના ‘મેકિંગ ઇટ પર્સનલઃ હાઉ બિહેવિયરલ ચૅન્જ કેન ટેકલ ક્લાઇમેટ ચૅન્જ’ શીર્ષક ધરાવતાં કાર્યક્રમને સંબોધન કર્યું
દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે વર્લ્ડ બૅન્કના ‘મેકિંગ ઇટ પર્સનલઃ હાઉ બિહેવિયરલ ચૅન્જ કેન ટેકલ ક્લાઇમેટ ચૅન્જ’ (‘તેને વ્યક્તિગત બનાવવુંઃ કેવી રીતે વર્તણૂકીય પરિવર્તન આબોહવામાં પરિવર્તનનો સામનો કરી શકે છે’) શીર્ષક ધરાવતાં કાર્યક્રમને સંબોધન કર્યું હતું. વડાપ્રધાનએ આ વિષય સાથે તેમનાં વ્યક્તિગત જોડાણનો સ્વીકાર કર્યો હતો અને એ બાબત પર ખુશી વ્યક્ત કરી હતી કે, આ એક વૈશ્વિક ચળવળ બની રહી છે.
ચાણક્યને ટાંકતા,વડાપ્રધાનએ નાનાં કાર્યોનાં મહત્વ પર ભાર મૂક્યો અને કહ્યું કે “ગ્રહ માટેનું દરેક સારું કાર્ય પોતાની રીતે ક્ષુલ્લક લાગે છે. પરંતુ જ્યારે સમગ્ર વિશ્વમાં અબજો લોકો સાથે મળીને આ કામ કરે છે, ત્યારે તેની અસર ઘણી મોટી હોય છે. અમારું માનવું છે કે આપણા ગ્રહ માટે યોગ્ય નિર્ણય લેતી વ્યક્તિઓ આપણા ગ્રહની લડાઇમાં ચાવીરૂપ છે. આ મિશન લાઇફનું હાર્દ છે.”
લાઇફ (LiFE) ચળવળની ઉત્પત્તિ વિશે વાત કરતા વડાપ્રધાનએ યાદ કર્યું હતું કે, વર્ષ 2015માં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં તેમણે વર્તણૂકમાં ફેરફારની જરૂરિયાત વિશે વાત કરી હતી અને ઑક્ટોબર, 2022માં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ અને તેમણે મિશન લાઇફની શરૂઆત કરી હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, સીઓપી-27નાં પરિણામ દસ્તાવેજની પ્રસ્તાવનામાં સ્થાયી જીવનશૈલી અને વપરાશ વિશે પણ વાત કરવામાં આવી છે. જો લોકો સમજે કે માત્ર સરકાર જ નહીં પરંતુ તેઓ પણ યોગદાન આપી શકે છે, તો વડાપ્રધાનએ ધ્યાન દોર્યું હતું કે, “તેમની ચિંતા કાર્યમાં ફેરવાઈ જશે.” તેમણે વિગતવાર જણાવ્યું હતું કે “આબોહવા પરિવર્તન એકલા કૉન્ફરન્સ ટેબલ પરથી લડી શકાતું નથી. તે દરેક ઘરમાં ડિનર ટેબલ પરથી લડવું પડે છે. જ્યારે કોઈ વિચાર ચર્ચાનાં ટેબલ પરથી રાત્રિભોજનનાં ટેબલ પર જાય છે, ત્યારે તે એક જન આંદોલન બની જાય છે. દરેક કુટુંબ અને દરેક વ્યક્તિને જાગૃત કરવું કે તેમની પસંદગીઓ ગ્રહને મદદ કરી શકે છે તે વ્યાપ અને ગતિ પ્રદાન કરી શકે છે. મિશન લાઇફ એ આબોહવા પરિવર્તન સામેની લડતનું લોકશાહીકરણ કરવા વિશે છે. જ્યારે લોકો જાગૃત થાય છે કે તેમનાં રોજિંદા જીવનમાં સરળ કાર્યો શક્તિશાળી છે, ત્યારે પર્યાવરણ પર ખૂબ જ સકારાત્મક અસર થશે. ”
મોદીએ ભારતનાં ઉદાહરણો સાથે પોતાની વિચારસરણીનું ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું અને કહ્યું હતું કે, “જન આંદોલન અને વર્તણૂકમાં પરિવર્તનની આ બાબતમાં છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતની જનતાએ ઘણું કર્યું છે.” તેમણે લિંગ અનુપાતમાં સુધારો, મોટા પાયે સ્વચ્છતા અભિયાન, એલઇડી બલ્બ્સ અપનાવવાનાં ઉદાહરણો ટાંક્યાં હતાં, જે દર વર્ષે આશરે 39 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડનાં ઉત્સર્જનને ટાળવામાં મદદ કરે છે. સૂક્ષ્મ સિંચાઈ દ્વારા લગભગ સાત લાખ હૅક્ટર ખેતીની જમીનને આવરી લઈને પાણીની બચત થાય છે.
મોદીએ માહિતી આપી હતી કે, મિશન લાઇફ અંતર્ગત સરકારના પ્રયાસો અનેક ક્ષેત્રોમાં ફેલાયેલા છે, જેમ કે સ્થાનિક સંસ્થાઓને પર્યાવરણને અનુકૂળ બનાવવી, પાણીની બચત કરવી, ઊર્જાની બચત કરવી, કચરા અને ઇ-વેસ્ટમાં ઘટાડો કરવો, સ્વસ્થ જીવનશૈલી અપનાવવી, કુદરતી ખેતીને અપનાવવી, બાજરીને પ્રોત્સાહન આપવું.
તેમણે જણાવ્યું હતું કે, આ પ્રયાસોથી 22 અબજ યુનિટ્સથી વધારે ઊર્જાની બચત થશે, નવ ટ્રિલિયન લિટર પાણીની બચત થશે, કચરામાં 375 મિલિયન ટનનો ઘટાડો થશે, આશરે 10 લાખ ટન ઇ-કચરાને રિસાયકલ કરવામાં આવશે અને વર્ષ 2030 સુધીમાં આશરે 17 મિલિયન ડૉલરની વધારાની ખર્ચમાં બચત થશે. વધુમાં, તે આપણને પંદર અબજ ટન ખોરાકના બગાડને ઘટાડવામાં મદદ કરશે. આ કેટલું મોટું છે તે જાણવા માટે હું તમને એક સરખામણી આપું છું. એફએઓ અનુસાર 2020માં વૈશ્વિક પ્રાથમિક પાકનું ઉત્પાદન લગભગ નવ અબજ ટન હતું, “એમ તેમણે વિગતે જણાવ્યું હતું.
વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દુનિયાભરના દેશોને પ્રોત્સાહન આપવામાં વૈશ્વિક સંસ્થાઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. વર્લ્ડ બૅન્ક જૂથના ક્લાઇમેટ ફાઇનાન્સમાં કુલ ધિરાણના હિસ્સા તરીકે, 26 ટકાથી 35 ટકા સુધીના સૂચિત વધારાનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે આ આબોહવા ફાઇનાન્સનું ધ્યાન સામાન્ય રીતે પરંપરાગત પાસાઓ પર હોય છે. “વર્તણૂકીય પહેલ માટે પણ પર્યાપ્ત ધિરાણ પદ્ધતિઓ પર કામ કરવાની જરૂર છે. મિશન લાઇફ જેવી વર્તણૂકીય પહેલ માટે વર્લ્ડ બૅન્ક દ્વારા સમર્થન દર્શાવવાથી અનેકગણી અસર થશે,” એમ તેમણે સમાપન કર્યું હતું