દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સીસી સાથે ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ અંગે ફોન પર ચર્ચા કરી હતી. ઇજિપ્ત તરફથી સત્તાવાર નિવેદન જારી કરીને આ માહિતી આપવામાં આવી છે. આ નિવેદન અનુસાર, બંને નેતાઓએ ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી સેનાના વર્તમાન ઓપરેશન વિશે વિગતવાર વાત કરી.તેમાં કહેવામાં આવ્યું છે કે વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ સીસીએ નાગરિકોના જીવન પર તેની ગંભીર અસર અને સમગ્ર ક્ષેત્રની સુરક્ષા માટે ઊભું થયેલું જોખમ જોતાં વર્તમાન પરિસ્થિતિની ગંભીરતા વિશે ચર્ચા કરી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સીસીએ ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહી પર વિચારોનું આદાનપ્રદાન કર્યું. ઇજિપ્ત દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ સીસીએ ગાઝા પટ્ટીમાં ભૂમિ હુમલાના ગંભીર માનવતાવાદી અને સુરક્ષા પરિણામો અંગે ચેતવણી આપી હતી.આ વાતચીત પહેલા ભારતે શનિવારે યુએન જનરલ એસેમ્બલીમાં ‘નાગરિકોનું રક્ષણ અને કાનૂની અને માનવતાવાદી જવાબદારીઓનું સમર્થન’ શીર્ષકવાળા જોર્ડનના ડ્રાફ્ટ ઠરાવ પર મતદાન કરવાથી દૂર રહ્યું.ઠરાવમાં ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં તાત્કાલિક માનવતાવાદી યુદ્ધવિરામ અને ગાઝા પટ્ટીમાં માનવતાવાદી પ્રવેશની ખાતરી કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું.સંયુકત રાષ્ટ્રની 193 સભ્ય એસેમ્બલીએ તે પ્રસ્તાવનો અપનાવ્યો,જેમાં તત્કાળ, ટકાઉ અને સતત માનવતાવાદી યુદ્ધવિરામની હાકલ કરવામાં આવી.જેથી દુશ્મનાવટ સમાપ્ત થઈ શકે.
યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં ગાઝામાં યુદ્ધવિરામની હાકલ કરતા ઠરાવ પર મતદાનમાં ભારતે ગેરહાજર રહેવાને લઈને શનિવારે કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું અને આરોપ લગાવ્યો કે સરકાર પેલેસ્ટાઈન મુદ્દે ભારતના જૂના વલણને અનુસરી રહી છે.બીજી તરફ, ભારતીય જનતા પાર્ટી (BJP) એ વિપક્ષ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે સરકારે સાચુ પગલું ભર્યું છે અને ભારત ક્યારેય આતંકવાદના પક્ષમાં ન રહી શકે. કોંગ્રેસ, CPI, CPI(M), BSP અને AIMIM જેવા વિરોધ પક્ષોના નેતાઓએ કહ્યું કે જોર્ડન દ્વારા લાવવામાં આવેલા આ પ્રસ્તાવ પર ભારતના વલણથી તેઓ ચોંકી ગયા છે.