નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે સતત 11 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. મોટાભાગના દેશોએ રશિયાની સૈન્ય કાર્યવાહીનો વિરોધ કર્યો છે. જો કે, ભારત આ મામલે ટટસ્થ રહ્યું છે અને વાતચીતથી સમસ્યાનો ઉલેક લાવવા માટે પહેલાથી અપીલ કરી રહ્યું છે. દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેસ્કી સાથે ટેલિફોનીક વાતચીત કરી હતી. ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેસ્કી સાથે સીધી વાત કરવાનો આગ્રહ કર્યો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે 50 મિનિટ જેટલી વાત કરી હતી. દરમિયાન રશિયાએ યુક્રેનમાં ફસાયેલા તમામ ભારતીયોને સુરક્ષિત બહાર નીકળવામાં મદદ કરવાની ખાતરી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીઝફાયરની જાહેરાત કરવા બદલ પુતિનની પ્રશંસા કરી હતી. તેમજ યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેસ્કી સાથે સીધો સંવાદ કરવા માટે પુતિનને અપીલ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેસ્કી સાથે વાતચીત કરી હતી. બંને મહાનુભાવો વચ્ચે લગભગ 35 મિનિટ સુધી વાતચીત ચાલી હતી. મોદી અને જેલેસ્કી વચ્ચે યુદ્ધ અને તેના આયામો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયા-યુક્રેન વચ્ચે સંવાદની પ્રક્રિયાને આવકારી હતી. તેમજ યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને સહી સલામત નીકળવામાં મદદ કરવા બદલ જેલેસ્કીનો આભાર માન્યો હતો. તેમજ સુમીમાં ફસાયેલા ભારતીય નાગરિકોને નિકળવા માટે યુક્રેન સરકાર પાસે સમર્થન પણ માંગ્યું હતું.