ચેન્નાઈ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચેન્નાઈનાં જેએલએન ઇન્ડોર સ્ટેડિયમમાં 44મા ચેસ ઓલિમ્પિયાડને ખુલ્લો મૂકવાની જાહેરાત કરી હતી.આ પ્રસંગે તમિલનાડુના રાજ્યપાલ આર એન રવિ, તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિન, કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુર અને એલ મુરુગન અને આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશન (FIDE)ના અધ્યક્ષ શ્રી આર્કડી ડ્વોર્કોવિચ પણ ઉપસ્થિત હતા.
અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ સમગ્ર દુનિયામાંથી ભારતમાં ઉપસ્થિત તમામ ખેલાડીઓ અને ચેસ પ્રેમીઓનું સ્વાગત કર્યું હતું. તેમણે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ દરમિયાન આ પ્રસંગના સમયનું મહત્વ નોંધ્યું હતું. તેમણે ઊમેર્યું કે, ચેસની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ ચેસનાં ઘર એવા ભારતમાં આવી છે.
વડાપ્રધાનએ નોંધ્યું હતું કે, 44મો ચેસ ઓલિમ્પિયાડ ઘણી રીતે પ્રથમ અને વિક્રમો ધરાવતી ટુર્નામેન્ટ રહી છે. ચેસનાં મૂળ સ્થાન ભારતમાં ચેસ ઓલિમ્પિયાડનું આ પહેલી વખત આયોજન થઈ રહ્યું છે. તે 3 દાયકામાં પ્રથમ વખત એશિયામાં આવી રહ્યો છે. તેમાં ભાગ લેનારા દેશોની સંખ્યા અત્યાર સુધીની સૌથી વધુ છે. તેમાં ભાગ લેનારી અત્યાર સુધીની સૌથી વધુ ટીમો છે. તેમાં મહિલા વિભાગમાં સૌથી વધુ એન્ટ્રી છે. તેમણે કહ્યું કે, આ વખતે જ ચેસ ઓલિમ્પિયાડની સૌ પ્રથમ ટોર્ચ રિલે શરુ થઈ હતી.
વડાપ્રધાને એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, તમિલનાડુ શતરંજ સાથે મજબૂત ઐતિહાસિક જોડાણ ધરાવે છે. આથી જ તે ભારત માટે ચેસનું પાવરહાઉસ છે. તેણે ભારતનાં ઘણાં ચેસ ગ્રાન્ડમાસ્ટર્સ ઉત્પન્ન કર્યાં છે. તે શ્રેષ્ઠતમ માનસ, જીવંત સંસ્કૃતિ અને વિશ્વની સૌથી જૂની ભાષા તમિલનું ઘર છે.
વડાપ્રધાનએ કહ્યું હતું કે, રમતગમત સુંદર છે, કારણ કે તેમાં એકતા સાધવાની અંતર્ગત શક્તિ રહેલી છે. રમતગમત લોકો અને સમાજને નજીક લાવે છે. રમતગમત ટીમ વર્કની ભાવનાને પોષે છે.ભારતમાં રમતગમત માટે વર્તમાન સમય કરતાં વધારે સારો સમય ક્યારેય રહ્યો નથી. “ભારતે ઓલિમ્પિક્સ, પેરાલિમ્પિક્સ અને ડેફલિમ્પિક્સમાં અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આપણે એવી રમતોમાં પણ ગૌરવ પ્રાપ્ત કર્યું છે જ્યાં આપણે અગાઉ જીત્યા ન હતા.”બે મહત્ત્વપૂર્ણ પરિબળોનાં સંપૂર્ણ મિશ્રણને કારણે ભારતની રમતગમતની સંસ્કૃતિ વધુ મજબૂત બની રહી છે. યુવાનોની ઊર્જા અને સક્ષમ વાતાવરણ.
વડાપ્રધાનએ નોંધ્યું હતું કે, રમતગમતમાં કોઈ હારનાર નથી હોતું. અહીં વિજેતાઓ છે અને અહીં ભાવિ વિજેતાઓ છે. તેમણે 44મા ચેસ ઓલિમ્પિયાડમાં તમામ ટીમો અને ખેલાડીઓને સફળતાની શુભેચ્છા પાઠવી હતી.
વડાપ્રધાનએ 19 જૂન, 2022ના રોજ નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી નેશનલ સ્ટેડિયમમાં સૌપ્રથમ ચેસ ઓલિમ્પિયાડ ટોર્ચ રિલેનો પણ શુભારંભ કરાવ્યો હતો.આ મશાલે 40 દિવસ સુધી દેશના 75 આઇકોનિક સ્થળોએ પ્રવાસ કર્યો હતો અને લગભગ 20,000 કિલોમીટરની મુસાફરી કરી હતી અને ત્યારબાદ તે મહાબલિપુરમમાં પરિણમી હતી અને ત્યારબાદ સ્વિત્ઝર્લેન્ડના ફિડે હેડક્વાર્ટર્સ તરફ પ્રયાણ કર્યું હતું.
ચેન્નાઈમાં તારીખ 28મી જુલાઈથી લઈને 9મી ઑગસ્ટ, 2022 દરમિયાન 44મો ચેસ ઓલિમ્પિયાડ યોજાઈ રહ્યો છે. 1927થી આયોજિત આ પ્રતિષ્ઠિત સ્પર્ધા ભારતમાં પ્રથમ વખત અને એશિયામાં 30 વર્ષ બાદ યોજવામાં આવી રહી છે. જેમાં 187 દેશો ભાગ લઈ રહ્યા છે, ત્યારે કોઈ પણ ચેસ ઓલિમ્પિયાડમાં આ સૌથી મોટી ભાગીદારી હશે. ૬ ટીમોના ૩૦ ખેલાડીઓની બનેલી આ સ્પર્ધામાં ભારત પણ તેની સૌથી મોટી ટુકડી ઉતારી રહ્યું છે.