Site icon Revoi.in

દેશની જનતાને દિવાળીમાં ભારતમાં બનતા ફટાકડા લેવાની પીએમ મોદીએ કરી અપીલ

Social Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદીએ ભરૂચમાં રૂ. 8,200 કરોડના વિકાસ કામોનું ખાતમૂહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. તેમજ પીએમના હસ્તે ભરૂચના આમોદથી રૂ. 8238.90 કરોડના વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ કરવામાં આવ્યા હતું. જંબુસરમાં રાજ્યના સર્વ પ્રથમ સુવિધાયુક્ત બલ્ક ડ્રગ પાર્કનું ખાતમુહૂર્ત કર્યું તેમજ વડાપ્રધાને ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સના વિવિધ વિસ્તરણ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. આ ઉપરાંત અકલેશ્વર એરપોર્ટ ફેઝ–૧ ની કામગીરીનું વડાપ્રધાને ખાતમુહૂર્ત કર્યું હતું. આ ભરૂચમાં જાહેરસભા સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષની દિવાળીમાં દેશની પ્રજાને ભારતમાં જ બનેલા ફટાકડા ફોડવા માટે અપીલ કરી હતી.

ભરૂચ જિલ્લાના આમોદ ખાતેથી વડાપ્રધાને જનસભાને સંબોધતા કહ્યું હતું કે ભરૂચે ધંધા, રોજગાર, ઉદ્યોગ, બંદર ના ક્ષેત્રમાં નામના મેળવી છે. તેમણે કહ્યું હતું કે આજે શિલાન્યાસ અને લોકાર્પણનું કામ થઇ રહ્યું છે તે રાજ્યના ભૂતકાળના વાર્ષિક બજેટ કરતા વધુ રકમનું થઇ રહ્યું છે. ભરૂચ જિલ્લો કોસ્મોપોલેટીન જિલ્લો બની ગયો છે. આજે ગુજરાતના અનેક જિલ્લાઓ તેમના વિકાસમાં વિવિધ રાજ્યોના લોકોને સાથે લઇને ચાલે છે. આજે ગુજરાતનું  પ્રથમ બલ્ક ડ્રગ પાર્ક ભરૂચને મળ્યું છે.

મેક ઈન્ડિયાના મંત્રને સાકાર કરવા પીએમ મોદીએ કહ્યું કે, આપણે ભારતમાં બનતા ફડાકડા લઈએ. એ કદાચ થોડો ઓછો અવાજ કરશે તો ચાલશે, પણ તેનાથી ગરીબોનું ઘર ચાલશે. તેમણે કહ્યું કે, દેશને આગળ લઇ જવો હોય તો દરેક નાગરિક લઇ જઇ શકે, માત્ર લોકલ ફોર વોકલનો મતલબ સમજવાની જરૂર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે હાલમાં નેશનલ સ્પોર્ટસનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. દેશ ભરના હજારો ખેલાડીઓ ગુજરાતમાં આવ્યાં છે. તેઓએ રમત ગમત રમીને રાત્રે ગરબા જોવા જતાં હતાં. રાતભર ગરબા જોઇને તેમને અચરચ થતું હતું.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે દહેજ નિકાસનું હબ બની ગયું છે. આજે દહેજ-બે, દહેજ-ત્રણ સાયખા વિલાયત વિકાસની સમૃદ્ધિના દ્વાર બની ગયા છે. રો રો ફેરી સર્વિસ વિકાસની તાકાત બની છે. દહેજ સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીઝન ને ગુજરાત સરકારની ઉદાર નિતીનો લાભ મળી રહ્યો છે. જેમા પેટ્રોલીયમ, કેમિકલ ના ક્ષેત્રોનો લાભ અહી મળતો રહ્યો છે. જેના પગલે દુનિયાભરથી હજારો કરોડ રૂપિયાનું રોકાણ દહેજ તેમજ ભરૂચ જિલ્લામાં આવ્યું છે.

બે દાયકા પહેલા આપણી છાપ વેપારીની હતી. માલ લાવી વેચી દલાલીથી ગુજરાંત ચલાવતા હતાં. આજે આદિવાસીઓ, માછીમારોને સાનુકુળ અને પ્રોત્સાહક વાતાવરણ મળી રહ્યું છે. કાયદો વ્યવસ્થા સુધરતા લોકોને સુખ શાંતીનું જીવન મળ્યું છે. ભરૂચ જિલ્લાના આમોદ ખાતે કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાને મેગા બલ્ક ડ્રગ પાર્ક વિકસાવવાનો નિર્ણય કર્યો હતો. તે સહિતના ભરૂચ જિલ્લાના વિવિધ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર પાણી, વિજળીની ઉપલબ્ધતા કરાવશે. તેમજ વેરામાં રાહત જાહેર કરી છે. સરકાર ઉદ્યોગકારોને રાહતદરે જમીન ફાળવાશે.