ઉદ્યોગપતિઓને સમય કાઢીને કાશીની મુલાકાત લેવા માટે પીએમ મોદીએ કરી અપીલ
લખનૌઃ ઉત્તરપ્રદેશની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઔદ્યોગિક પરિયોજનાઓના શિલાન્યાસ સમારોહમાં 80224 કરોડ રૂપિયાના 1406 ઔદ્યોગિક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થતાં રાજ્યમાં પાંચ લાખ નવી રોજગારીની તકો ઊભી થવાનો દાવો કરવામાં આવ્યો છે. રોકાણકારોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, યુપી બદલાઈ રહ્યું છે. અહીં જે રોકાણ થઈ રહ્યું છે તે અહીંની યુવા શક્તિ દર્શાવે છે. આજે ભારત વૈશ્વિક રિટેલ ઈન્ડેક્સમાં બીજા નંબરે છે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઉર્જા ઉપભોક્તા દેશ છે. કાશી બદલાઈ ગયાનું જણાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્યોગપતિઓને સમય કાઢીને કાશીની મુલાકાત લેવા અપીલ કરી હતી.
પીએમ મોદીએ કહ્યું કે આપણી નવી અર્થવ્યવસ્થાની માંગને પહોંચી વળવા માટે તમને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મજબૂતીથી ઘણો ફાયદો મળવાનો છે. તમને યુપીના વિકાસ અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સતત સુધારાની ખાતરી આપું છું. જો તમે UPની વિકાસયાત્રામાં પૂરા ઉત્સાહ સાથે જોડાઓ છો, તો તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. પીએમ મોદીએ કહ્યું કે 2014માં દેશમાં 100થી ઓછી ગ્રામ પંચાયતો ઓપ્ટિકલ ફાઈબરથી જોડાયેલી હતી. આજે ઓપ્ટિકલ ફાઈબર સાથે જોડાયેલી ગ્રામ પંચાયતોની સંખ્યા પણ અઢી લાખને પાર કરી ગઈ છે. 2014 પહેલા, અમારી પાસે માત્ર થોડા 100 સ્ટાર્ટ-અપ હતા. પરંતુ આજે દેશમાં રજિસ્ટર્ડ સ્ટાર્ટ-અપ્સની સંખ્યા પણ 70 હજારની આસપાસ પહોંચી રહી છે. તાજેતરમાં જ, ભારતે 100 યુનિકોર્નનો રેકોર્ડ પણ બનાવ્યો છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ બજેટમાં અમે ગંગાના બંને કાંઠે 5-5 કિમીની ત્રિજ્યામાં રસાયણ મુક્ત કુદરતી ખેતી કોરિડોર બનાવવાની જાહેરાત કરી છે. યુપીમાં ગંગા 1100 કિમીથી વધુ લાંબી છે અને 25 કિમીમાંથી પસાર થાય છે. ગંગા નદી 30 જીલ્લાઓ પસાર થાય છે, અહીં કુદરતી ખેતીની વિશાળ સંભાવનાઓ ઉભી થવા જઈ રહી છે. ઝડપી વૃદ્ધિ માટે, અમારી ડબલ એન્જિન સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોકાણ અને ઉત્પાદન પર સાથે મળીને કામ કરી રહી છે. આ વર્ષના બજેટમાં 7.50 લાખ કરોડ રૂપિયાના અભૂતપૂર્વ મૂડી ખર્ચની ફાળવણી આ દિશામાં એક પગલું છે.
પીએમ મોદીએ કહ્યું કે, અમે જી-20 અર્થતંત્રોમાં સૌથી ઝડપી વિકાસ કરી રહ્યા છીએ. આજે ભારત વૈશ્વિક રિટેલ ઈન્ડેક્સમાં બીજા નંબરે છે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઉર્જા ઉપભોક્તા દેશ છે. ગયા વર્ષે, વિશ્વના 100 થી વધુ દેશોમાંથી 84 બિલિયન ડોલરનું રેકોર્ડ FDI આવ્યું હતું. ભારતે પાછલા નાણાકીય વર્ષમાં 417 બિલિયન ડોલર એટલે કે 30 લાખ કરોડ રૂપિયાથી વધુના માલની નિકાસ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે.
પીએમ મોદીએ ઉદ્યોગપતિઓને કાશી જોવા માટે થોડો સમય કાઢવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, કાશી ઘણી બદલાઈ ગઈ છે. વિશ્વના આવા શહેરને તેની પ્રાચીન તાકાતથી નવા રૂપમાં સજાવી શકાય છે, તે ઉત્તર પ્રદેશની શક્તિનું જીવંત ઉદાહરણ છે. યુપી બદલાઈ રહ્યું છે. અહીં જે રોકાણ થઈ રહ્યું છે તે અહીંની યુવા શક્તિ દર્શાવે છે. તેમણે ઉદ્યોગપતિઓને કહ્યું કે તમે બધા ખૂબ જ વ્યસ્ત હોવ, પરંતુ તેમ છતાં હું તમને અપીલ કરવા માંગુ છું કે તમારે એકવાર કાશીની મુલાકાત અવશ્ય લેવી જોઈએ.