Site icon Revoi.in

PM મોદી UAE પ્રવાસે પહોંચ્યા,અબુ ધાબી એરપોર્ટ પર થયું ભવ્ય સ્વાગત

Social Share

દિલ્હી:  વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સનો પ્રવાસ પૂરો કરીને આજે સંયુક્ત અરબ અમીરાત (UAE) પહોંચ્યા હતા. જ્યાં પીએમ મોદી અબુ ધાબી એરપોર્ટ પર પહોંચતા જ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર પણ થશે. આ સાથે પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસની મુલાકાતે અબુ ધાબી પહોંચી ગયા છે. જ્યાં સંયુક્ત અરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ સાથે વાતચીત કરશે. UAEની તેમની મુલાકાત દરમિયાન મોદી ટોચના નેતૃત્વ સાથે ખાસ કરીને ઊર્જા, ખાદ્ય સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રો પર વાતચીત કરે તેવી શક્યતા છે. આ દરમિયાન બંને વ્યૂહાત્મક ભાગીદાર દેશો ઐતિહાસિક વેપાર કરાર પર થયેલી પ્રગતિની સમીક્ષા કરશે.

PM મોદી ફ્રાંસની બે દિવસની મુલાકાત પૂર્ણ કરીને અબુ ધાબી પહોંચી ગયા છે. તેમણે બેસ્ટિલ ડે પરેડમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે વિશેષ અતિથિ તરીકે હાજરી આપી હતી અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે અનેક કરારો પર હસ્તાક્ષર કર્યા હતા.

UAEમાં PM મોદીના સ્વાગત માટે દુબઈના બુર્જ ખલીફાને ભારતીય તિરંગાના રંગોમાં રંગવામાં આવ્યું હતું. ભારતીય રાષ્ટ્રધ્વજના રંગો દર્શાવવા માટે પીએમ મોદીની તસવીર પણ પ્રદર્શિત કરવામાં આવી હતી.  વેલકમ ઓનરેબલ પ્રાઈમ મિનિસ્ટર મોદી  (માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત છે) લખવામાં આવ્યું હતું.

આ પહેલા પીએમ મોદીની બુર્જ ખલીફાની મુલાકાત વખતે પણ ભારતીય તિરંગો પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે, ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર, બુર્જ ખલીફાના પ્રકાશમાં ભારતીય ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો.