મુસ્લિમોને OBCમાં સામેલ કરવા માટે PM મોદીએ કોંગ્રેસ અને મમતા બેનર્જી ઉપર કર્યાં આકરા પ્રહાર
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓબીસી અનામતને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, બંગાળમાં તેમણે ઓબીસી પાસેથી આરક્ષણ છીનવીને મુસ્લિમોને આપ્યું, પરંતુ કલકત્તા હાઈકોર્ટે તેને રોકી દીધું હતું.
શિમલામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે, પીએમ જણાવ્યું હતું કે, ઈન્ડી ગઠબંધનના ષડયંત્રનું નવીનતમ ઉદાહરણ પશ્ચિમ બંગાળમાં પ્રકાશમાં આવ્યું છે. માત્ર બે દિવસ પહેલા જ કલકત્તા હાઈકોર્ટે 77 મુસ્લિમ જાતિઓનું આરક્ષણ નાબૂદ કર્યું હતું. આ 77 મુસ્લિમ જાતિઓને નોકરી, શિક્ષણ અને દરેક જગ્યાએ મલાઈ મળી રહી હતી.
તેમણે વધુમાં કહ્યું હતું કે, “ઈન્ડી ગઠબંધન દ્વારા મુસ્લિમોની ઘણી જાતિઓને ઓબીસી બનાવવામાં આવી હતી અને તેમને ઓબીસીના અધિકારો આપવામાં આવ્યા હતા. આમ કરીને, ઈન્ડી ગઠબંધને ઓબીસીના અધિકારો છીનવી લીધા અને બંધારણનો ભંગ કર્યો છે.
સીએમ મમતા બેનર્જીને આડે હાથ લઈને પીએમ મોદીએ કહ્યું કે, હવે કલકત્તા હાઈકોર્ટના નિર્ણય બાદ ઈન્ડી ગઠબંધનના સભ્યોમાં ગભરાહટ ફેલાઈ છે. બંગાળના મુખ્યમંત્રી પણ કોર્ટના નિર્ણયને સ્વીકારવાનો સીધો ઇનકાર કરી રહ્યા છે.” બંધારણ અને અદાલતો તેમના માટે કોઈ મહત્વ રાખતા નથી. જો કોઈ તેમની નજીક છે તો તે તેમની વોટબેંક છે.
કલકત્તા હાઇકોર્ટે બુધવારે બંગાળમાં ઘણા વિભાગોને આપવામાં આવેલ ઓબીસી દરજ્જો રદ કર્યો હતો. બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ચીફ મમતા બેનર્જીએ હાઈકોર્ટના નિર્ણય પર કહ્યું હતું કે, તેઓ આદેશનું પાલન નહીં કરે.