જમ્મુઃ કેન્દ્ર શાસિત રાજ્ય જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર હવે ધીમે-ધીમે અંતિમ તબક્કામાં પહોંચી રહ્યો છે, દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુમાં વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ નવુ ભારત છે અને આતંકવાદીઓને ઘરમાં ઘુસીને મારે છે. આતંકવાદીઓને તેમની ભાષામાં જ જવાબ આપવામાં આવી રહ્યો છે.
જમ્મુ-કાશ્મીરના એમએ સ્ટેડિયમમાં વિજય સંકલ્પ રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ ચૂંટણી જમ્મુ-કાશ્મીરનું ભવિષ્ય પસંદ કરવાની છે. આજે શહીદ વીર સરદાર ભગતસિંહની જન્મજયંતિ પણ છે. દેશના કરોડો યુવાનોના પ્રેરણાસ્ત્રોત ભગતસિંહજીને હું આદરપૂર્વક વંદન કરું છું. પીએમ મોદીએ કહ્યું કે જમ્મુની આ સભા આ વિધાનસભા ચૂંટણીની મારી છેલ્લી સભા છે. મને છેલ્લા અઠવાડિયામાં જમ્મુ અને કાશ્મીરના વિવિધ ભાગોની મુલાકાત લેવાની તક મળી છે. હું જ્યાં પણ જાઉં છું ત્યાં ભાજપ પ્રત્યે અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળે છે.
પીએમ મોદીએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના લોકો આતંકવાદ, અલગતાવાદ અને હિંસા નથી ઈચ્છતા. અહીંના લોકો શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છે છે. અહીંના લોકો તેમના બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય ઈચ્છે છે, અને ખાતરીપૂર્વક કહીએ તો અહીંના લોકો ભાજપની સરકાર ઈચ્છે છે.
જમ્મુ-કાશ્મીરના લોકો કોંગ્રેસ, એનસી અને પીડીપીના ત્રણ રાજવંશોથી પરેશાન છે. લોકોને એવી જ વ્યવસ્થા નથી જોઈતી જેમાં ભ્રષ્ટાચાર હોય અને નોકરીઓમાં ભેદભાવ હોય. જમ્મુ-કાશ્મીરના લોકો હવે આતંક, અલગતાવાદ અને રક્તપાત ઇચ્છતા નથી. અહીંના લોકો શાંતિ ઈચ્છે છે.
પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા બે તબક્કામાં થયેલા ભારે મતદાનથી જમ્મુ-કાશ્મીરના લોકોનો મિજાજ સ્પષ્ટ થઈ ગયો છે. બંને તબક્કામાં ભાજપની તરફેણમાં જબરદસ્ત મતદાન થયું છે. હવે એ નિશ્ચિત છે કે ભાજપ અહીં સંપૂર્ણ બહુમતી સાથે પોતાની પ્રથમ સરકાર બનાવશે. જમ્મુ ક્ષેત્રના લોકો માટે આવો અવસર ઈતિહાસમાં પહેલા ક્યારેય આવ્યો નથી, જે આ ચૂંટણીમાં આવ્યો છે. હવે પહેલીવાર જમ્મુ ક્ષેત્રની જનતાની ઈચ્છા મુજબ સરકાર બનવા જઈ રહી છે. તમારે આ તક ગુમાવવાની જરૂર નથી. કારણ કે અહીં બનેલી ભાજપ સરકાર તમારી પીડા દૂર કરશે.