કાશી તમિલ સંગમમ કાર્યક્રમમાં 19 નવેમ્બરે પીએમ મોદી ભાગ લેશે
નવી દિલ્હીઃ આ કાર્યક્રમમાં તામિલનાડુના ત્રણ કેન્દ્રોમાંથી 12 ગ્રુપના કુલ 2500 લોકોને કાશી લાવવામાં આવશે. જેઓ કાશીની સંસ્કૃતિ અને મહત્વને સમજશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરે કાશીની મુલાકાત લઈ શકે છે. વડાપ્રધાનની વારાણસીની મુલાકાત લગભગ 4 કલાકની હશે. વડા પ્રધાન 17 નવેમ્બરથી શરૂ થતા “કાશી તમિલ સંગમમ” કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ બનારસ હિંદુ યુનિવર્સીટીના એમ્ફીથિયેટરમાં યોજાશે. વડાપ્રધાન એરપોર્ટથી સીધા હેલિકોપ્ટર દ્વારા બનારસ હિંદુ યુનિવર્સીટી પહોંચશે. ત્યાંથી સીધા થિયેટર પર જશે અને કાર્યક્રમમાં ભાગ લેશે. કાશીમાં વડાપ્રધાનનું રોકાણ લગભગ 4 કલાકનું રહેશે.
કાશી તમિલ સંગમમ દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ તમામ ભાષાઓના સાંસ્કૃતિક, આર્થિક, ધાર્મિક પાસાઓનો પરિચય અને વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. તેથી જ આ કાર્યક્રમ અંતર્ગત તમિલનાડુના ત્રણ કેન્દ્રોમાંથી 12 ગ્રુપના કુલ 2500 લોકોને કાશી લાવવામાં આવશે. જેઓ કાશીની સંસ્કૃતિ અને મહત્વને સમજશે.
અહીં ધાર્મિક અને આધ્યાત્મની સાથે જ બનારસના આર્થિક, સામાજિક અને હસ્તકલાને લગતા તમામ વિષયો પર પણ સેમિનાર અને વ્યાખ્યાનોનું આયોજન છે. જે અંતર્ગત આ દરેક વિષયોના તજજ્ઞોને તેમાં સામેલ કરવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એકબીજાની શિષ્ટ જીવનશૈલી, બોલાતી ભાષા અને વિચારોની આપ-લે કરવાનો છે. કાશીનો તામિલનાડુ સાથે ઊંડો સંબંધ છે અને ત્યાંના લોકો સદીઓથી અહીં આવે છે, તેથી કાશીને આ માટે પસંદ કરવામાં આવ્યું છે. તેમની પાસે અલગ મઠ પણ છે જેની સાથે પણ આદાનપ્રદાન થતું રહ્યું છે.
હવે કેન્દ્ર સરકાર મોટા પાયે આ કામને ઓપ આપવા જઈ રહી છે. આ સમગ્ર કાર્યક્રમ લગભગ 1 મહિનાનો રહેશે, જેમાં વિવિધ પ્રદેશોના લોકો કાશીના તમામ પાસાઓ વિશે જાણશે. આ કાર્યક્રમ અંતર્ગતના ના એક વિશેષ કાર્યક્રમમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી આવી રહ્યા છે.
(ફોટો: ફાઈલ)