કેન્દ્રીય એજન્સીઓના કથિત અતિરેક પાછળ પીએમ મોદીનો હાથ ના હોઈ શકેઃ મમતા બેનર્જી
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે તેમને નથી લાગતું કે રાજ્યમાં કેન્દ્રીય એજન્સીઓના કથિત અતિરેક પાછળ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો હાથ છે. મોદી સરકારના ઉગ્ર ટીકાકાર બેનર્જીએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપના નેતાઓનો એક વર્ગ પોતાના હિત માટે એજન્સીઓનો દુરુપયોગ કરી રહ્યો છે. મમતા બેનર્જીના આ નિવેદનના પગલે રાજકીય આલમમાં વિવિધ પ્રકારની અટકળો વહેતી થઈ છે.
કેન્દ્રીય તપાસ એજન્સીઓના “અતિરેક” વિરુદ્ધ વિધાનસભામાં ઠરાવ પર, બેનર્જીએ વડા પ્રધાનને વિનંતી કરી કે કેન્દ્ર સરકારનો એજન્ડા અને તેમના પક્ષના હિતોનું મિશ્રણ ન થાય. ભાજપે આ ઠરાવનો વિરોધ કર્યો હતો જે બાદમાં વિધાનસભાએ પસાર કર્યો હતો.
બેનર્જીએ કહ્યું કે, વર્તમાન કેન્દ્ર સરકાર સરમુખત્યારશાહી રીતે વર્તી રહી છે. આ ઠરાવ કોઈ ચોક્કસ વ્યક્તિ વિરુદ્ધ નથી, પરંતુ કેન્દ્રીય એજન્સીઓની પક્ષપાતી કામગીરી વિરુદ્ધ છે. ભાજપે કહ્યું કે સીબીઆઈ અને ઈડી વિરુદ્ધ આવો પ્રસ્તાવ વિધાનસભાના નિયમોની વિરુદ્ધ છે. પ્રસ્તાવની તરફેણમાં 189 અને વિરોધમાં 69 મત પડ્યા હતા.
CBI અને ED જેવી કેન્દ્રીય એજન્સીઓ રાજ્યમાં એવા ઘણા કેસોની તપાસ કરી રહી છે જેમાં તૃણમૂલ કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ આરોપી છે. બેનર્જીના નિવેદન બાદ કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસવાદીએ આરોપ લગાવ્યો છે કે તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મૌન સમજણ ઉભરી આવી છે.