વડાપ્રધાન મોદી પહેલા પણ પોતાની સેલરી અને અન્ય સમ્માનમાં મળનારી રકમને દાન કરતા રહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત મહીને દક્ષિણ કોરિયાના પ્રતિષ્ઠિત સિયોલ શાંતિ પુરસ્કારમાં મળેલી બે લાખ ડોલર અંદાજે 1.42 કરોડ રૂપિયાની પુરસ્કાર રાશિ મહત્વકાંક્ષી નમામિ ગંગે કાર્યક્રમમાં દાન કરી ચુક્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર પોતાની બચતને દાનમાં આપીને દેશની સામે જાહેરજીવનમાં રહેલા લોકો માટે એક દાખલારૂપ ઉદાહરણ પુરું પાડયું છે. પીએમ મોદીએ પોતાની 21 લાખની બચતને કુંભના સફાઈ કર્મચારી કોરપસ ફંડમાં દાન કરી છે. ગત મહિને તેમણે સિયોલ શાંતિ પુરસ્કારમાં મળેલી અંદાજે 1.42 કરોડ રૂપિયાની રકમને પણ નમામિ ગંગે પ્રોજેક્ટ માટે દાન કરી હતી. વડાપ્રધાન મોદી પહેલા પણ પોતાની સેલેરી અને અન્ય સમ્માનમાં મળનારી રકમને દાન કરતા રહ્યા છે.
વડાપ્રધાન મોદી તાજેતરમા પ્રયાગરાજમાં કુંભમેળામાં સામેલ થયા હતા. તેમણે કુંભમેળામાં સામેલ થઈને સાફસફાઈની કામગીરી કરનારા સફાઈકર્મીઓની પ્રશંસા કરી હતી. આઠ હજારથી વધારે સફાઈકર્મીઓએ ગત ત્રણ માસથી કુંભને સ્વચ્છ રાખવાની કામગીરી કરી છે. તે વખતે પીએમ મોદીએ પાંચ સફાઈકર્મીઓના પગ પણ ધોયા હતા અને સોશયલ મીડિયા પર આને લગતા વીડિયો અને ફોટોગ્રાફ પણ વાઈરલ થયા હતા. બાદમાં પીએમ મોદીએ આ સફાઈકર્મીઓને અંગવસ્ત્ર આપીને તેમના પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ ગંગા પંડાલમાં સ્વચ્છાગ્રહીઓ અને સુરક્ષાકર્મીઓને સમ્માનિત પણ કર્યા હતા. તેમણે બે નાવિકો રાજૂ અને લલ્લનને પણ પુરસ્કૃત કર્યા હતા.
આના પહેલા એપ્રિલ-2015માં નેપાળમાં આવેલા ભૂકંપ બાદ પીડિતોની મદદ માટે વડાપ્રધાન મોદીએ પોતાની એક માસની સેલરી પણ પ્રધાનમંત્રી રાહત કોષમાં દાન કરી હતી.
મે-2014માં વડાપ્રધાન બનતા પહેલા નરેન્દ્ર મોદીએ પોતાના ગૃહ રાજ્ય ગુજરાતમાં સરકારી ડ્રાઈવરો અને પટાવાળાઓની દીકરીઓના કલ્યાણ માટે એક ખાસ પ્રકારનું ફંડ શરૂ કરવા માટે પોતાની અંગત બચતના 21 લાખ રૂપિયા દાન કર્યા હતા. વડાપ્રધાન મોદીએ ત્યારે દિલ્હી માટે રવાના થતા પહેલા કહ્યું હતું કે આ ફંડને એક એવા ફાઉન્ડેશન તરીકે વિકસિત કરવામાં આવશે કે જેમાં ભવિષ્યમાં સામાન્ય લોકો પણ દાન કરી શકે. તેને સીધું મુખ્યપ્રધાન અને મુખ્ય સચિવની દેખરેખમાં સંચાલિત કરવામાં આવશે.
આના પહેલા 2001માં ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા બાદ મળેલી 18710 ભેંટને પણ તેમણે દાન કરી હતી. આ ભેટંની હરાજીથી લગભગ 90 કરોડ રૂપિયાની રકમ એકઠી થઈ હતી અને તેના દ્વારા કન્યા કેળવણી માટે ફંડ બનાવવામાં આવ્યું હતું.