અમદાવાદઃ PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળને પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભેટમાં આપી હતી. મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. આ સિવાય પીએમએ બંગાળમાં 7800 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. વંદે ભારત ટ્રેન હાવડા-ન્યૂ જલપાઈગુડી રૂટ પર દોડશે. હાવડા સ્ટેશન પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી મમતા બેનર્જી અને રેલવે મંત્રી પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, મારે પશ્ચિમ બંગાળ આવવું હતું, પરંતુ અંગત કારણોસર હું ત્યાં ન આવી શક્યો. હું બંગાળની જનતાની માફી માંગુ છું.
PM મોદીની માતા હીરાબાનું શુક્રવારે વહેલી સવારે નિધન થયું છે, પરંતુ તેમ છતાં મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. દરમિયાન મમતા બેનર્જીએ હીરાબાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. મમતા બેનર્જીએ કહ્યું કે, માતાથી મોટું કંઈ નથી. વડાપ્રધાન આજનો દિવસ તમારા માટે ખૂબ જ દુઃખદ છે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. હું તમને વિનંતી કરીશ કે આ કાર્યક્રમ ટૂંકો રાખો કારણ કે તમે હમણાં જ તમારી માતાના અંતિમ સંસ્કારમાંથી આવ્યા છો.
આ પ્રસંગ્રે પીએમ મોદીએ કહ્યું કે, આજે મને બંગાળની પવિત્ર ભૂમિને નમન કરવાનો મોકો મળ્યો છે. બંગાળના દરેક કણમાં આઝાદીનો ઈતિહાસ જડાયેલો છે. જે ભૂમિ પરથી ‘વંદે માતરમ’નો નારા લગાવવામાં આવ્યો હતો, ત્યાંથી ‘વંદે ભારત’ને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. મોદીએ કહ્યું કે આજે 30 ડિસેમ્બરની તારીખનું ઈતિહાસમાં ઘણું મહત્વ છે. 30 ડિસેમ્બર, 1943ના રોજ નેતાજી સુભાષે આંદામાનમાં ત્રિરંગો લહેરાવીને ભારતની આઝાદીનું બ્યુગલ ફૂંક્યું હતું. વર્ષ 2018 માં, આ ઘટનાની 75મી વર્ષગાંઠ પર, હું આંદામાન ગયો હતો અને એક ટાપુનું નામ પણ નેતાજીના નામ પર રાખ્યું હતું.