PM મોદીએ તેલંગાણાને 13,500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટની ભેટ આપી, હૈદરાબાદ-રાયચુર વચ્ચે રેલ સેવા પણ શરૂ કરી
દિલ્હી: પીએમ મોદીએ તેલંગાણાના મહબૂબનગરમાં 13500 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યો. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડી પણ હાજર હતા. વડાપ્રધાને હૈદરાબાદ-રાયચુર વચ્ચેની ટ્રેન સેવાને પણ લીલી ઝંડી બતાવી હતી. સીએમ કે ચંદ્રશેખર રાવે પીએમ મોદીના કાર્યક્રમમાં હાજરી આપી ન હતી.સીએમ કેસીઆરના સ્થાને તેમની સરકારના મંત્રી તાલાસાની શ્રીનિવાસ યાદવ પીએમ મોદીનું સ્વાગત કર્યું અને તેમના સત્તાવાર કાર્યક્રમમાં ભાગ લીધો. વડાપ્રધાને તેલંગાણાને રોડ, રેલ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ સંબંધિત અનેક પ્રોજેક્ટ ભેટમાં આપ્યા.
પીએમ મોદી લગભગ 2.15 વાગ્યે તેલંગાણાના મહબૂબનગર જિલ્લામાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હૈદરાબાદ-રાયચુર-હૈદરાબાદ રેલ સેવાને પણ લીલી ઝંડી બતાવી હતી.શનિવારે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેલંગાણાની સત્તારૂઢ બીઆરએસ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે લખ્યું કે તેલંગાણાના લોકો બીઆરએસના નબળા શાસનથી કંટાળી ગયા છે. ઉપરાંત કોંગ્રેસમાંથી પણ તેમનો વિશ્વાસ ઉઠી ગયો છે. પીએમ મોદીએ આરોપ લગાવ્યો કે બંને વંશવાદી પક્ષો છે, જેનો ઉદ્દેશ્ય જનતાની સેવા કરવાનો નથી.
નોંધનીય છે કે પીએમ મોદી 3 ઓક્ટોબરે ફરીથી તેલંગાણાની મુલાકાત લેશે. પીએમ મોદી 3 ઓક્ટોબરે નિઝામાબાદ જશે. પીએમ મોદી કર્ણાટકના બિદરથી નિઝામાબાદ પહોંચશે અને વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે. આ પછી વડાપ્રધાન ફરીથી હેલિકોપ્ટર દ્વારા બિદર જશે અને ત્યાંથી દિલ્હી જવા રવાના થશે.પીએમ મોદી મહબૂબનગર અને નિઝામાબાદ બંનેમાં લોકોને સંબોધિત કરશે. કેન્દ્રીય મંત્રી અને તેલંગાણા ભાજપના અધ્યક્ષ જી કિશન રેડ્ડીએ આ વાતની પુષ્ટિ કરી છે. તેલંગાણામાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તેથી પીએમ મોદીના તેલંગાણા પ્રવાસનું રાજકીય મહત્વ છે.