દિલ્હીઃ 1.2 કરોડથી વધારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકો પોતાના વધેલા મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની લાંબા સમયથી રાહ જોતા હતા. જે હવે ખતમ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મોંઘવારી ભથ્થાને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મળેલી કેબિનેટની બેઠકમાં છેલ્લા દોઢ વર્ષથી રોકાયેલા મોંઘવારી ભથ્થાને ફરીથી સ્થાપિત કરવાની મંજૂરી આપી છે. જેથી કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થા હવે 28 ટકા મળશે. જે પહેલા 17 ટકા જેટલુ મળતું હતું. એટલે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને હવે 11 ટકા વધારે મોંઘવારી ભથ્થુ મળશે.
કેન્દ્ર સરકારે કોરોના મહામારીને પગલે ગયા વર્ષે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા તથા પેન્શનધારકોને મોંઘવારી રાહત ઉપર રોક લગાવી હતી. જાન્યુઆરી 2020, જુલાઈ 2020, જાન્યુઆરી 2021 અને જુલાઈ 2021નું મોંઘવારી ભથ્થુ કેન્દ્રીય કર્મચારીઓને મળવાનું હતું. કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2020માં મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હતો. તેમજ તેજ વર્ષના જૂન 2020માં ડીએમાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જાન્યુઆરી 2021માં 4 ટકા વધારવામાં આવ્યો હતો. આમ 11 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જે હવે કેન્દ્રીય કર્મચારીઓને મળશે. મોંઘવારી ભથ્થાના ત્રણેય એરિયર કર્મચારીઓને ત્રણ હપ્તામાં આપવામાં આવશે. જો કે, જુલાઈના ડીએને લઈને સરકાર દ્વારા હજુ સુધી કોઈ નિર્ણય નહીં કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. એવુ મનાઈ રહ્યું છે કે, જુલાઈમાં ડીએમાં 3 ટકાનો વધારો કરવામાં આવશે. જો આમ થશે તો કુલ મોંઘવારી ભથ્થુ વધીને 31 ટકા થશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને વધેલુ મોંધવારી ભથ્થુ સપ્ટેમ્બરથી મળવાની શરૂઆત થશે.