પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે ટેલિફોન પર વાતચીત કરી,યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ અંગે ચર્ચા થઈ
- પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે કરી વાત
- રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે ટેલિફોન પર કરી વાતચીત
- બંને નેતાઓએ યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ અંગે ચર્ચા
દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.બંને નેતાઓએ યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ અંગે ચર્ચા કરી હતી.
વડાપ્રધાનએ આ લડાઈને વહેલામાં વહેલી તકે સમાપ્ત કરવાની અને સંવાદ અને મુત્સદ્દીગીરીના માર્ગે આગળ વધવાની જરૂરિયાત માટેના તેમના આહ્વાનનો પુનરોચ્ચાર કર્યો હતો.તેમણે પોતાનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો કે,સંઘર્ષનો કોઈ સૈન્ય ઉકેલ હોઈ શકે નહીં અને ભારત કોઈપણ પ્રકારના શાંતિ પ્રયાસોમાં યોગદાન આપવા તૈયાર છે.વડાપ્રધાનએ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર, આંતરરાષ્ટ્રીય કાયદા અને તમામ દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવાના મહત્વનો પણ પુનરોચ્ચાર કર્યો હતો.
વડાપ્રધાનએ ભારપૂર્વક જણાવ્યું હતું કે,ભારત યુક્રેન સહિત તમામ પરમાણુ સ્થાપનોની સુરક્ષાને મહત્વ આપે છે. તેઓએ રેખાંકિત કર્યું હતું કે પરમાણુ પ્લાન્ટ માટેના કોઈપણ જોખમો જાહેર આરોગ્ય અને પર્યાવરણ માટે દૂરગામી અને વિનાશક પરિણામો લાવી શકે છે.
નવેમ્બર 2021માં ગ્લાસગોમાં તેમની છેલ્લી મુલાકાત પછી, બંને નેતાઓએ ફરીથી દ્વિપક્ષીય સહયોગના મહત્વપૂર્ણ ક્ષેત્રો પર ચર્ચા કરી.