પીએમ મોદીએ 51 હજાર યુવાનોને નિમણૂક પત્રો સોંપ્યા,કહ્યું- હવે સરકાર માત્ર જાહેરાતો જ નથી કરતી પરંતુ કામ પણ કરે છે
- પીએમ મોદીએ 51 હજાર યુવાનોને નિમણૂક પત્રો સોંપ્યા
- રોજગાર મેળા અંતર્ગત યુવાનોને અપાયા નિમણૂક પત્રો
- હવે સરકાર માત્ર જાહેરાતો જ નથી કરતી પરંતુ કામ પણ કરે છે – પીએમ મોદી
દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રોજગાર મેળા અંતર્ગત 51 હજાર યુવાનોને નિમણૂક પત્રો આપ્યા હતા. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળાને સંબોધિત કરતી વખતે પીએમએ કહ્યું કે હવે સરકાર માત્ર જાહેરાતો જ નથી કરતી પરંતુ કામ પણ કરે છે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ગત વર્ષે ઓક્ટોબરમાં રોજગાર મેળો શરૂ થયો હતો અને અત્યાર સુધીમાં લાખો યુવાનોને નોકરી આપવામાં આવી છે. આજે 50 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવી છે. દિવાળીને હજુ વાર છે, પરંતુ જેમને 50,000 એપોઇન્ટમેન્ટ લેટર મળ્યા છે તેમના પરિવારો માટે આ તક દિવાળીથી ઓછી નથી.
પીએમ દ્વારા યુવાનોને અપાયેલા નિમણૂક પત્રો વિવિધ વિભાગોના છે. દેશભરમાંથી પસંદ કરાયેલા આ કર્મચારીઓ ગૃહ મંત્રાલય, મહેસૂલ વિભાગ, રેલવે મંત્રાલય, ઉચ્ચ શિક્ષણ વિભાગ, પોસ્ટ વિભાગ, શાળા શિક્ષણ, સાક્ષરતા વિભાગ અને શિક્ષણ મંત્રાલય સહિત સરકારના વિવિધ વિભાગોમાં જોડાશે.
પીએમ મોદીએ આગળ કહ્યું કે, રોજગાર મેળા યુવાનો પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. અમારી સરકાર યુવાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને મિશન મોડમાં કામ કરી રહી છે. અમે માત્ર નોકરીઓ જ નહીં પરંતુ સમગ્ર સિસ્ટમને પારદર્શક બનાવી રહ્યા છીએ.અમે માત્ર ભરતી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરી નથી પરંતુ કેટલીક પરીક્ષાઓનું પુનર્ગઠન પણ કર્યું છે. સ્ટાફ સિલેકશન કમિશનના ભરતી ચક્રમાં લાગતો સમય હવે અડધો થઈ ગયો છે.