અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસ છે. તેઓ આજે સવારે જ હવાઈ માર્ગે અમદાવાદ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લીધો હતો. બપોરે તેઓ મહેસાણા પહોંચ્યા હતા, જ્યાં તેમણે વલીનાથ મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. પીએમ મોદીએ સૌથી પહેલા મહેસાણામાં રોડ શો કર્યો હતો. રોડ-શોમાં મોટી સંખ્યામાં પ્રશંસકો હાજર રહ્યાં હતા અને પીએમ મોદીનું અભિવાદન કર્યું હતું. જે બાદ વિસનગર તાલુકાના વાલીનાથ ધામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા પહોંચ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહેસાણાના વલીનાથ ધામ મંદિરમાં ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે જનસભાને સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘દેશના વિકાસનો આ એક અનોખો તબક્કો છે, જ્યાં ‘દેવ કાજ’ કે ‘દેશ કાજ’ બંને ઝડપથી થઈ રહ્યા છે.
ગુજરાતની એક મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવાઈ માર્ગે અમદાવાદ આવ્યાં હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, સહકાર અને પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભા જૈન, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, જીએડીના અધિક મુખ્ય સચિવ કમલ દાયાણી, એરમાર્શલ નર્મદેશ્વર તિવારી, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિક, મેજર જનરલ એસ. એસ. વિર્ક કલેકટર પ્રવીણા ડી.કે. સહિત વરિષ્ઠ અધિકારીઓ અને અફસરોએ પણ પ્રધાનમંત્રીનું અભિવાદન કરી તેમને આવકાર્યા હતા.