ચક્રવાત બિપરજોયને લઈને પીએમ મોદીએ કરી સમીક્ષા બેઠક,ગૃહમંત્રી સહિત પીએમઓના અધિકારીઓ રહ્યા હાજર
- ચક્રવાત બિપરજોયને લઈને પીએમ મોદીએ કરી સમીક્ષા બેઠક
- ગૃહમંત્રી સહિત પીએમઓના અધિકારીઓ રહ્યા હાજર
- 15મી જૂને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે
દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ચક્રવાત બિપરજોય સંબંધિત પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ ચક્રવાત ગુરુવારે ગુજરાતના કચ્છ વિસ્તારમાં દસ્તક આપી શકે છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, વડા પ્રધાનના મુખ્ય સચિવ પીકે મિશ્રા, કેબિનેટ સચિવ રાજીવ ગૌબા, પૃથ્વી વિજ્ઞાન સચિવ એમ રવિચંદ્રન, રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના સભ્ય કમલ કિશોર અને ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ હાજરી આપી હતી.
બેઠકમાં આપવામાં આવેલી રજૂઆત મુજબ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં 15મી જૂને સવારથી સાંજ સુધી 125 થી 135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે તોફાન આવી શકે છે અને પવનની રફતાર 145 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે.
અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે બિપરજોય ખૂબ જ તીવ્ર ચક્રવાતી તોફાન તરીકે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. આને ધ્યાનમાં રાખીને, ગુજરાતના ઉત્તર અને દક્ષિણ દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ જિલ્લાઓમાં લોકોને દરિયામાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું. દેવભૂમિ દ્વારકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં લગભગ 1,300 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, દરિયાકાંઠાના વિસ્તારો પર ચક્રવાતી તોફાન ‘બિપરજોય’નો ખતરો મંડરાઈ રહ્યો છે. IMDના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે ચક્રવાત આગામી 12 કલાકમાં ‘અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન’માં વધુ તીવ્ર બનશે. 14 જૂન સુધીમાં તે ઉત્તર તરફ અને પછી સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે આગળ વધશે, જેને તે 15 જૂનની બપોર સુધીમાં પાર કરશે. બિપરજોય 15 જૂને ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના કરાચી વચ્ચે લેન્ડફોલ કરે તેવી અપેક્ષા છે.