Site icon Revoi.in

ચૂંટણીના મોડમાં પીએમ મોદી,છેલ્લા 20 દિવસમાં ચાર રાજ્યોમાં કરી ડઝનબંધ બેઠકો

Social Share

દિલ્હી: ગયા મહિને ભારતમાં યોજાયેલી G20 સમિટ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી મોડમાં આવી ગયા છે. પીએમ મોદીએ અત્યાર સુધીમાં ચાર ચૂંટણી રાજ્યોમાં લગભગ એક ડઝન જાહેર સભાઓ કરી છે. આ સિવાય તેમણે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણાને ઘણી ભેટ આપી છે. વડાપ્રધાન મોદીએ સોમવારે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની મુલાકાત લીધી હતી. જ્યારે  મંગળવારે તેઓ છત્તીસગઢ અને તેલંગાણાના પ્રવાસ પર હતા.

આ વર્ષના અંત સુધીમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણા, મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ પાંચ રાજ્યોમાંથી, કોંગ્રેસ બે રાજ્યો (રાજસ્થાન અને છત્તીસગઢ)માં સત્તામાં છે, જ્યારે પ્રાદેશિક પક્ષ BRS તેલંગાણામાં સત્તામાં છે અને એક સ્થાનિક પક્ષ ઉત્તર-પૂર્વીય રાજ્ય મિઝોરમમાં સત્તામાં છે. મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે.

મધ્યપ્રદેશમાં ભાજપે અત્યાર સુધીમાં લગભગ 80 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. છત્તીસગઢમાં પણ ભાજપે લગભગ 10 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ રવિવારે નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં છત્તીસગઢ અને રાજસ્થાનના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે ભાજપ ટૂંક સમયમાં રાજસ્થાનમાં પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે.

પીએમ મોદીની જાહેર સભાઓ મોટાભાગે તે બેઠકો પર થઈ રહી છે જ્યાં તેમને ગત વિધાનસભા ચૂંટણીમાં મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. મોદીએ સોમવારે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં લગભગ 19 હજાર કરોડ રૂપિયાની ભેટ આપી હતી. ગ્વાલિયર પ્રદેશમાં છેલ્લી ચૂંટણીમાં ભાજપને મોટી હારનો સામનો કરવો પડ્યો હતો

ગ્વાલિયર, ચંબલ અને માલવા ક્ષેત્રમાં ભાજપની હાલત ખૂબ જ ખરાબ છે. તાજેતરમાં થયેલા એક સર્વેમાં આ વાત સામે આવી છે. ગ્વાલિયર અને ચંબલ વિસ્તારમાં 34 સીટો છે. તેમાંથી ભાજપને માત્ર 4-8 બેઠકો મળવાનું અનુમાન છે, જ્યારે કોંગ્રેસને 26-30 બેઠકો મળવાનો અંદાજ છે. તે જ સમયે, માલવા ક્ષેત્રમાં 66 બેઠકો છે. અહીં કોંગ્રેસને 41-45 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે ભાજપને માત્ર 20-24 બેઠકો મળવાની ધારણા છે.

સર્વેમાં જાણવા મળ્યું છે કે મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગાઢ મુકાબલો છે. ભાજપને 42.80 ટકા વોટ મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 43.80 ટકા વોટ મળવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો અને કમલનાથ રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા.