Site icon Revoi.in

PM મોદીએ બેટ દ્વારકામાં સુદર્શન સેતુનું કર્યું લોકાર્પણ, જાહેર સભામાં ગુજરાતના કર્યા વખાણ

Social Share

દ્વારકાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સવારે બેટ દ્વારકા આવી પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ બેટ દ્વારકા ખાતે પ્રભાતે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન, પૂજા-અર્ચન કર્યા બાદ સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ દ્વારકામાં રોડ શો દરમિયાન લોકોનું અભિવાદન ઝીલતા પ્રધાનમંત્રી દ્વારકાધીશ જગતમંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા. ભગવાન દ્વારકાધીશનાં દર્શન કરી પંચકૂઈ બીચ પર દરિયામાં સ્કૂબા ડાઈવિંગ કરવા પહોંચ્યા હતા. બપોરે વડાપ્રધાન જાહેરસભાના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં વિશાળ જનમેદનીને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આહીરાણી બહેનોએ જે મારા ઓવારણા લીધી તેનું હું આભાર માનું છું. દ્વારકામાં થોડા દિવસ પહેલાં 37 હજાર આહીરાણીઓએ ગરબા કર્યા તે દૃશ્યો અદભૂત હતા.

વડાપ્રધાને સભાને સંબોધતા જણાવ્યું હતું કે, મેં આજે દ્વારકાધામમાં દિવ્યતાનો અનુભવ કર્યો છે. જે જીવનભર મારી યાદ બની રહેશે. દ્વારકાના દરિયામાં જઈને પ્રાચીન દ્વારકાના દર્શન કર્યાં. દ્વારકા નગર એક શ્રેષ્ઠ નગરનું ઉદાહરણ હતું. મેં ત્યાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યાં. હું મારી સાથે ત્યાં મોરપંખ લઈ ગયો હતો જે ત્યાં અર્પણ કર્યું. મારી અનેક વર્ષો જૂની ઈચ્છા આજે પૂર્ણ થઈ છે. 6 વર્ષ પહેલા બેટ દ્વારકા અને ઓખાને જોડતા બ્રિજનું શિલાન્યાસ કરવાનું મોકો મળ્યો હતો. જેનું લોકાર્પણ કરવાનો પણ લાભ મળ્યો,

હું જ્યારે સુદર્શન સેતુ જોઉં છું ત્યારે જુની વાતો યાદ આવે છે. પહેલાં લોકોને ફેરીબોટ પર નિર્ભર રહેવું પડતું હતું. હવે જ્યારે આ બ્રિજ બનીને તૈયાર થઈ જતા આ મુશ્કેલીનો અંત આવશે. આ બ્રિજ માટે અનેકવખત કોંગ્રેસ જોડે વાત કરતો હતો. પરંતું આ કાર્ય પણ મારા હાથે થવાનું લખેલું હશે. સુદર્શન સેતુ પર લાઈટીંગ લગાડવામાં આવી છે. પહેલા વિપક્ષ મજાક ઉડાવતા હતા, હવે તેઓ નવા ભારતને જોઈ રહ્યા છે. હવે દેશમાં બધા કૌભાંડ બંધ થઈ ગયું છે. દર વખતે કોંગ્રેસ લોકો સાથે વિશ્વાસઘાત જ કર્યો છે.

વડાપ્રધાને ગુજરાતની પ્રસંશા કરતા જણાવ્યું હતું કે, ગુજરાત વિદેશી પ્રયટકોની પહેલી પસંદ બની ગયુ છે. મને સૌરાષ્ટ્રમાં એક નવી ઊર્જા મળે છે. ગુજરાતમાં લોથલ, ધોળાવીરા, શિવરાજપુર બીચ, રાણી કી વાવ, ગીર, વિશ્વની સૌથી મોટી પ્રતીમા, કચ્છનો રણોત્સવ, અમદાવાદ હેરીટેજ સીટી વગેરે વિકાસ અને વિરાસતનું પ્રતિક છે. તેમજ દ્વારાકા, સોમનાથ, પાવાગઢ, અંબાજી વગેરે તિર્થ ક્ષેત્રનો સર્વાંગી વિકાસ કરવામાં આવી રહ્યો છે.  છેલ્લા 5 વર્ષમાં દર 5 પ્રયટકોમાંથી 1 પ્રયટક ગુજરાતમાં આવ્યું છે. 1300 કિમીથી પણ મોટી પાઈપલાઈનથી છેવાડા સુધી પાણી પહોંચાડ્યું. આજે સૌરાષ્ટ્રના વિકાસ જોઈ કોઈ વિચારી પણ ન શકે કે લોકો પાણીના એક ટીપા માટે દૂર દૂર સુધીને ચાલીને જવું પડતું હશે. હવે સૌરાષ્ટ્રના ખેડૂતોનો પણ વિકાસ થઈ રહ્યો છે.

PM મોદીના હસ્તે 4 હજાર કરોડથી વધુના કુલ 11 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે હાલાર પંથકના દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લામાં રૂપિયા 4153 કરોડના 11 ડેવલોપમેન્ટ પ્રોજેકટ્સનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી હસ્તે કરવામાં આવ્યું. આ ત્રણેય જિલ્લાને આવરી લેતાં વિકાસ કાર્યો માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેકનોલોજી, પેટ્રોલીયમ અને ગેસ મંત્રાલય, રેલવે તેમજ ઊર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગના 11 પ્રોજેકટ્સ સામેલ છે.