Site icon Revoi.in

પીએમ મોદીએ દિલ્હીના મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમમાં આદિ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે મેગા રાષ્ટ્રીય આદિજાતિ મહોત્સવ ‘આદિ મહોત્સવ’નું ઉદ્ઘાટન કર્યું હતું.આદિ મહોત્સવ એ આદિવાસી સંસ્કૃતિને રાષ્ટ્રીય ફલક પર પ્રદર્શિત કરવાનો પ્રયાસ છે અને તે આદિવાસી સંસ્કૃતિ, હસ્તકળા, ભોજન, વેપાર અને પરંપરાગત કળાની ભાવનાની ઉજવણી કરે છે. આદિજાતિ બાબતોના મંત્રાલય હેઠળ આદિજાતિ સહકારી માર્કેટિંગ વિકાસ સંઘ લિમિટેડ (TRIFED) દ્વારા હાથ ધરવામાં આવતી આ વાર્ષિક પહેલ છે.

વડાપ્રધાનએ આ પ્રસંગે કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા પછી, ભગવાન બિરસામુંડાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને પ્રદર્શનના વિવિધ સ્ટોલમાં લટાર મારી હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા વડાપ્રધાનએ જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાન આદિ મહોત્સવનું આયોજન ભારતના આદિવાસી વારસાનું ભવ્ય ચિત્ર રજૂ કરે છે. પ્રધાનમંત્રીએ ભારતના આદિવાસી સમાજની પ્રતિષ્ઠિત ઝાંખીને પ્રકાશિત કરી હતી અને વિવિધ સ્વાદ, રંગો, શણગાર, પરંપરાઓ, કલા અને કલાના સ્વરૂપો, સ્વાદિષ્ટ વાનગીઓ અને સંગીતના સાક્ષી બનવાનો અવસર પ્રાપ્ત થયો તે આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આદિ મહોત્સવ ભારતની વિવિધતા અને ભવ્યતાનું ચિત્ર રજૂ કરે છે, જ્યાં સૌ એકબીજા સાથે ખભાથી ખભા મિલાવીને ઊભા છે. વડાપ્રધાનએ ટિપ્પણી કરી હતી કે, “આદિ મહોત્સવ એક અનંત આકાશ જેવો છે જ્યાં ભારતની વિવિધતાને મેઘધનુષ્યના રંગોની જેમ પ્રક્ષેપિત કરવામાં આવે છે”. એકસાથે આવતા મેઘધનુષના રંગો સાથે સામ્યતા દર્શાવતા વડાપ્રધાનએ કહ્યું હતું કે, રાષ્ટ્રની ભવ્યતા ત્યારે જ સામે આવે છે જ્યારે તેની અનંત વિવિધતાઓ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના તાર સાથે જોડાયેલી હોય છે અને ત્યારે જ ભારત આખી દુનિયાના લોકોને માર્ગદર્શન પૂરું પાડે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આદિ મહોત્સવ વારસા સાથે વિકાસના વિચારને પ્રોત્સાહન આપતી વખતે ભારતની વિવિધતામાં એકતાને બળ આપે છે.

વડાપ્રધાનએ જણાવ્યું હતું કે, 21મી સદીનું ભારત ‘સબકા સાથ સબકા વિકાસ’ના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે. વડાપ્રધાનએ ઉમેર્યું હતું કે, એક સમયે જેમને છેવાડાના માનવામાં આવતા હતા તેમની પાસે હવે, સરકાર પોતે જઇ રહી છે અને છેવાડાના તેમજ ઉપેક્ષિત લોકોને મુખ્ય પ્રવાહમાં લાવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, આદી મહોત્સવ જેવા કાર્યક્રમોના આયોજનોએ દેશમાં એક ચળવળનું સ્વરૂપ લીધું છે અને તેઓ પોતે પણ તેમાંના ઘણામાં ભાગ લે છે.વડાપ્રધાનએ એક સામાજિક કાર્યકર તરીકેના તેમના દિવસો દરમિયાન આદિવાસી સમુદાયો સાથેના તેમના ગાઢ જોડાણને યાદ કરતાં કહ્યું હતું કે, “આદિવાસી સમાજનું કલ્યાણ એ મારા માટે વ્યક્તિગત સંબંધો અને લાગણીઓનો પણ વિષય છે”.વડાપ્રધાનએ ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી પટ્ટામાં તેમના જીવનના મહત્વપૂર્ણ વર્ષો વિતાવ્યા હતા તેને યાદ કરતાં ઉમેર્યું હતું કે, “મેં તમારી પરંપરાઓને નજીકથી જોઇ છે, તેમાં હું જીવ્યો છું અને તેમની પાસેથી ઘણું શીખ્યો છું”. .વડાપ્રધાનએ પોતાની વાત ચાલુ રાખીને આગળ કહ્યું હતું કે, “આદિવાસી જીવને મને દેશ અને તેની પરંપરાઓ વિશે ઘણું બધું શીખવ્યું છે”.

વડાપ્રધાનએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશ તેની આદિવાસી કિર્તીના સંદર્ભમાં અભૂતપૂર્વ ગૌરવ સાથે આગળ વધી રહ્યો છે. તેમણે માહિતી આપી હતી કે, તેઓ વિદેશી મહાનુભાવોને જે ભેટ આપે છે તેમાં આદિવાસી ઉત્પાદનોનું ગૌરવપૂર્ણ સ્થાન હોય છે. આદિવાસી પરંપરાને ભારત દ્વારા વૈશ્વિક મંચ પર ભારતીય ગૌરવ અને વારસાના અભિન્ન અંગ તરીકે રજૂ કરવામાં આવે છે.વડાપ્રધાનએ આગળ ઉમેર્યું હતું કે, ભારત આદિવાસીઓની જીવનશૈલીમાં ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ જેવી સમસ્યાઓના ઉકેલો આપે છે.વડાપ્રધાનએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતનો આદિવાસી સમુદાય દીર્ઘકાલિન વિકાસના સંદર્ભમાં ઘણી પ્રેરણા આપી શકે તેમ છે અને ઘણું બધું શીખવી શકે તેમ છે.

વડાપ્રધાનએ આદિવાસી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે સરકારના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે રેખાંકિત કર્યું હતું કે, આદિવાસી ઉત્પાદનો મહત્તમ પ્રમાણમાં બજારમાં પહોંચવા જોઇએ અને તેમની સ્વીકૃતી તેમજ માંગ વધવી જોઇએ. વાંસનું ઉદાહરણ આપતાં વડાપ્રધાનએ નોંધ્યું હતું કે, અગાઉની સરકારે વાંસ કાપવા અને તેનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો પરંતુ વર્તમાન સરકારે વાંસને ઘાસની શ્રેણીમાં સમાવીને તેના પર લાગુ કરવામાં આવેલા પ્રતિબંધને નાબૂદ કરી દીધો છે. વન ધન મિશનની વિસ્તૃત માહિતી આપતા વડાપ્રધાનએ જણાવ્યું હતું કે, વિવિધ રાજ્યોમાં 3000 થી વધુ વન ધન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. લગભગ 90 નાની વન પેદાશોને MSPના દાયરામાં લાવવામાં આવી છે, જે 2014ની સંખ્યા કરતાં 7 ગણી વધારે છે. તેમણે આગળ જણાવ્યું હતુ કે, તેવી જ રીતે, દેશમાં સ્વ-સહાય સમૂહોના વધી રહેલા નેટવર્કથી આદિવાસી સમાજને ફાયદો થઇ રહ્યો છે. દેશમાં કાર્યરત 80 લાખથી વધુ સ્વ-સહાય સમૂહોમાં 1.25 કરોડ આદિવાસી સભ્યો છે.

વડાપ્રધાનએ આદિવાસી યુવાનો માટે આદિવાસી કળા અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવાના દિશામાં સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયાસો પર ભાર મૂક્યો હતો. આ વર્ષના બજેટમાં કરવામાં આવેલી જોગવાઇઓનો ઉલ્લેખ કરતા, વડાપ્રધાનએ માહિતી આપી હતી કે પરંપરાગત કારીગરો માટે પીએમ વિશ્વકર્મા યોજના રજૂ કરવામાં આવી છે, જેમાં કૌશલ્ય વિકાસ અને તેમના ઉત્પાદનોના માર્કેટિંગમાં સહાય આપવા ઉપરાંત આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવશે.

વડાપ્રધાનએ જણાવ્યું હતું કે, “આદિવાસી બાળકો, ભલે તેઓ દેશના કોઇપણ ખૂણામાં હોય, તેમનું શિક્ષણ અને તેમનું ભવિષ્ય મારી પ્રાથમિકતા છે”. તેમણે વધુમાં માહિતી આપી હતી કે, એકલવ્ય મોડલ નિવાસી શાળાની સંખ્યા 2004-2014 વચ્ચે માત્ર 80 શાળાઓ હતી જ્યારે 2014થી 2022 સુધીમાં તેમાં 5 ગણો વધારો થયો છે અને હવે 500 શાળા થઇ ગઇ છે. 400થી વધુ શાળાઓનું કામ તો પહેલેથી જ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેમાં લગભગ 1 લાખ બાળકોને ભણાવવામાં આવી રહ્યાં છે. આ વર્ષના બજેટમાં આ શાળાઓ માટે 38 હજાર શિક્ષકો અને સ્ટાફની જાહેરાત કરવામાં આવી છે. આદિવાસી વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની રકમ પણ બમણી કરવામાં આવી છે.

ભાષાના અવરોધને કારણે આદિવાસી યુવાનોને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેના પર સૌનું ધ્યાન દોરતા, વડાપ્રધાનએ નવી શૈક્ષણિક નીતિ પર પ્રકાશ પાડ્યો હતો જેમાં યુવાનો તેમની માતૃભાષામાં અભ્યાસ કરવાનું પસંદ કરી શકે તેવી જોગવાઇ કરવામાં આવી છે. વડાપ્રધાનએ કહ્યું હતું કે, “આપણા આદિવાસી બાળકો અને યુવાનો તેમની પોતાની ભાષામાં અભ્યાસ કરે છે અને પ્રગતિ કરે છે તે હવે વાસ્તવિકતા બની ગયું છે”.

વડાપ્રધાનએ પુનરોચ્ચાર કર્યો હતો કે, દેશ નવી ઊંચાઇઓ પર જઇ રહ્યો છે કારણ કે સરકાર દ્વારા હવે વંચિતોના વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે દેશ છેલ્લા ક્રમે ઉભેલા વ્યક્તિને પ્રાથમિકતા આપે છે ત્યારે પ્રગતિનો માર્ગ આપોઆપ ખુલી જાય છે. વડાપ્રધાનએ મહત્વાકાંક્ષી જિલ્લા અને તાલુકા યોજનાને ટાંકીને આનું ઉદાહરણ આપ્યું હતું જેમાં મોટાભાગના લક્ષિત વિસ્તારોમાં આદિવાસી વસ્તીની બહુમતી છે. વડાપ્રધાનએ માહિતી આપી હતી કે, “આ વર્ષના બજેટમાં, અનુસૂચિત જનજાતિ માટે આપવામાં આવેલા બજેટમાં પણ 2014ની સરખામણીમાં 5 ગણો વધારો કરવામાં આવ્યો છે” તેમજ ઉમેર્યું હતું કે, “યુવાનો જે અલગતા અને ઉપેક્ષાને કારણે અલગતાવાદની જાળમાં ફસાઇ જતા હતા, તેઓ હવે ઇન્ટરનેટ અને ઇન્ફ્રા દ્વારા મુખ્ય પ્રવાહ સાથે જોડાઇ રહ્યા છે. આ ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ’નો પ્રવાહ છે, જે દેશના દૂર-દૂરના વિસ્તારોના દરેક નાગરિક સુધી પહોંચી રહ્યો છે. આ આદિ (પ્રાચીન) અને આધુનિકતા (અર્વાચીનતા)ના સંગમનો અવાજ છે, જેના પર નવા ભારતની ઊંચી ઇમારત ઊભી રહેશે.”

વડાપ્રધાનએ છેલ્લા 8-9 વર્ષ દરમિયાન આદિવાસી સમાજની સફર પર પ્રકાશ પાડ્યો હતો અને જણાવ્યું હતું કે, આદિવાસી સમાજની સફર એ પરિવર્તનનો સાક્ષી છે જ્યાં દેશ સમાનતા અને સૌહાર્દને પ્રાધાન્ય આપી રહ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતની આઝાદીના 75 વર્ષમાં આ પ્રથમ વખત એવું બન્યું છે જ્યારે દેશનું નેતૃત્વ એક આદિવાસી મહિલાના હાથમાં છે, જેઓ રાષ્ટ્રપતિ તરીકે દેશના સર્વોચ્ચ પદ પર ભારતને ગૌરવ અપાવી રહ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, આદિવાસીઓના ઇતિહાસને દેશમાં પહેલીવાર તેઓ ખૂબ જ પાત્રતા ધરાવે છે તેવી માન્યતા મળી રહી છે.

વડાપ્રધાનએ ભારતની સ્વતંત્રતાની લડાઇમાં આદિવાસી સમાજે આપેલા યોગદાનને રેખાંકિત કરીને ઇતિહાસના પાનાઓમાં આ સમાજના બલિદાન અને બહાદુરીના ગૌરવશાળી પ્રકરણોને ઢાંકવા માટે દાયકાઓથી ગુપ્ત રીતે કરવામાં આવેલી રહેલા પ્રયાસો પર અફસોસ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાનએ એ વાત પર પ્રકાશ પાડ્યો હતો કે, રાષ્ટ્રએ આખરે ભૂતકાળના આ વિસરાઇ ગયેલા આ પ્રકરણોને આગળ લાવવા માટે અમૃત મહોત્સવમાં આ પગલું ભર્યું છે અને ઉમેર્યું હતું કે, “દેશે પ્રથમ વખત ભગવાન બિરસામુંડાની જન્મજયંતિ પર જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું છે”. ઝારખંડના રાંચીમાં ભગવાન બિરસામુંડાને સમર્પિત સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવાનો અવસર પ્રાપ્ત થયો તેને યાદ કરતાં તેમણે એ પણ નોંધ્યું હતું કે, વિવિધ રાજ્યોમાં આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓને લગતા સંગ્રહાલયો તૈયાર કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાનએ કહ્યું હતું કે, ભલે આવું પહેલીવાર થઇ રહ્યું હોય, પણ તેની છાપ આવનારી ઘણી પેઢીઓ સુધી જોવા મળશે અને ઘણી સદીઓ સુધી દેશને પ્રેરણા અને દિશા આપશે.

વડાપ્રધાનએ આદિ મહોત્સવ જેવી ઘટનાઓ આવા સંકલ્પો લેવાનું એક મજબૂત માધ્યમ હોવાનું ગણાવીને કહ્યું હતું કે, “આપણે આપણા ભૂતકાળનું રક્ષણ કરવું પડશે, વર્તમાનમાં આપણી ફરજની ભાવનાને ટોચ પર લઇ જવી પડશે અને ભવિષ્ય માટેના આપણા સપનાને સાકાર કરવા પડશે”. આગળ તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, આ અભિયાનને જન આંદોલન બનાવવું જોઇએ અને વિવિધ રાજ્યોમાં આવા કાર્યક્રમોનું આયોજન કરવાનો તેમણે ખાસ આગ્રહ કર્યો હતો.

વડાપ્રધાનએ આ વર્ષને વિશ્વમાં આંતરરાષ્ટ્રીય પોષક અનાજ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે તે મુદ્દાને પણ સ્પર્શ કર્યો હતો અને કહ્યું હતું કે બરછટ અનાજ સદીઓથી આદિવાસીઓના આહારનો એક ભાગ રહ્યું છે. તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો કે, અહીં મહોત્સવના ફૂડ સ્ટોલ પર અન્નનો સ્વાદ અને સુગંધ હાજર છે. તેમણે આદિવાસી વિસ્તારોના ખાદ્યપદાર્થો વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો કારણ કે તેનાથી લોકોના સ્વાસ્થ્યને તો ફાયદો થશે જ, સાથે સાથે આદિવાસી ખેડૂતોની આવકમાં પણ વધારો થશે. વડાપ્રધાનએ પોતાના સંબોધનનું સમાપન કરતી વખતે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વિકસિત ભારતનું સપનું સૌએ સાથે મળીને કરેલા સહિયારા પ્રયાસોથી સાકાર થશે.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી અર્જૂન મુંડા, કેન્દ્રીય આદિજાતિ બાબતોના રાજ્ય મંત્રી   રેનુકસિંહ સુરુતા અને  બિશ્વેશ્વર તુડુ, કેન્દ્રીય ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી  ફગ્ગનસિંહ કુલસ્તે, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. ભારતી પ્રવિણ પવાર અને TRIFED ના ચેરમેન  રામસિંહ રાઠવા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.