પીએમ મોદીએ મોરબીમાં દૂર્ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું, પીડિતોના ખબર-અંતર પૂછ્યાં
અમદાવાદઃ મોરબી દૂર્ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરબી ગયા હતા. અહીં તેમણે ઝુલતા પુલના સ્થળનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત પીએમ મોદી હોસ્પિટલમાં ગયા હતા જ્યાં તેમણે પીડિતોને મળીને ખબરઅંતર પૂછ્યાં હતા. તેમજ દૂર્ઘટનામાં મૃત્યુ પામનારાઓના પરિવારજનોને મળીને પીએમએ સાંત્વના પાઠવી હતી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઈ લેવલની રિવ્યુ બેઠક બોલાવી હતી. આ ઉપરાંત બચાવકામગીરી કરનારા અધિકારી-કર્મચારીઓ સાથે પણ વાતચીત કરી હતી.
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવાઈ માર્ગે રાજકોટથી મોરબી પહોંચ્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીમાં પહોંચીને દુર્ઘટનાગ્રસ્ત બ્રિજનું હવાઇ નિરીક્ષણ કર્યું છે. તેમણે હેલિકોપ્ટરમાં જ સવાર થઇને દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યુ હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીની સિવિલ હોસ્પિટલમાં દાખલ દુર્ઘટનાના અસરગ્રસ્તોની મુલાકાત લીધી અને તેમના ખબર અંતર પુછ્યા. હવાઈ નિરીક્ષણ બાદ પીએમ સિવિલ હોસ્પિટલ પહોંચ્યાં હતા. જ્યાં તેઓ ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. તેમજ ઈજાગ્રસ્તોના ખબર-અંતર પૂછ્યાં હતા. તેમજ મૃતકોના પરિવારજનોને પણ મળ્યાં હતા. તેમજ તેમને સાંત્વના પાઠવી હતી.
મોરબીમાં ઈજાગ્રસ્તોને મળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્તરીય રિવ્યુ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વડાપ્રધાને પ્રશાસનને અસરગ્રસ્ત પરિવારોના સંપર્કમાં રહેવા અને જરૂરી તમામ મદદ પહોંચાડવા તાકીદ કરી હતી. તંત્ર દ્વારા પીએમને રેસક્યુ ઓપરેશન અને મદદ માટેનો અહેવાલ પીએમ સમક્ષ રાખવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ મોરબી દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી અને અહીં તેમણે સેવા આપતી સંસ્થાઓના સભ્યોની પણ મુલાકાત લીધી હતી.