દિલ્હી : વડાપ્રધાન મોદીએ ગુરુવારે યુકેના પીએમ ઋષિ સુનક સાથે ટેલિફોન પર વાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ અનેક દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. પીએમઓએ એક નિવેદન જારી કરીને કહ્યું કે બંને નેતાઓએ વાતચીત દરમિયાન વેપાર અને આર્થિક ક્ષેત્રે પ્રગતિની સમીક્ષા કરી. આ દરમિયાન પીએમ મોદીએ બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
આ સાથે પીએમ મોદીએ તેમના સમકક્ષને ભારત વિરોધી તત્વો સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તાજેતરમાં લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં ત્રિરંગાનું અપમાન કરવામાં આવ્યું હતું. કેટલાક ખાલિસ્તાનીઓએ અહીં હુમલો કર્યો હતો. આ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાની અવગણના કરવામાં આવી હતી. આ પછી ભારતે નવી દિલ્હીમાં બ્રિટિશ હાઈ કમિશનરને બોલાવ્યા હતા.
વડાપ્રધાન મોદી સાથેની વાતચીત દરમિયાન ઋષિ સુનકે યુકે લંડનમાં ભારતીય હાઈ કમિશન પર હુમલાની ઘટનાની નિંદા કરી હતી. આ પ્રકારની ઘટના બિલકુલ સહન કરવા યોગ્ય નથી. તેમણે ભારતીય હાઈ કમિશન અને ત્યાં કામ કરતા લોકોની સુરક્ષાની ખાતરી આપી. આ સિવાય વડાપ્રધાન મોદી અને ઋષિ સુનકે ભારત-યુકે રોડમેપ 2030 સંબંધિત અનેક દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે મુક્ત વ્યાપાર સમજૂતીને વહેલી તકે અંતિમ સ્વરૂપ આપવા પર વાતચીત થઈ હતી. આ ઉપરાંત ભાગેડુ વિજય માલ્યા અને બ્રિટનમાં શરણ લેનાર નીરવ મોદીના પ્રત્યાર્પણનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. આ સિવાય વડાપ્રધાને સપ્ટેમ્બર 2023માં યોજાનારી G-20 સમિટ માટે સુનકને આમંત્રણ આપ્યું હતું.