Site icon Revoi.in

પીએમ મોદીએ પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી,હોસ્પિટલમાં નાગરિકોના મોત પર શોક વ્યક્ત કર્યો

Social Share

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેલેસ્ટાઇનનાં રાષ્ટ્રપતિ મહામહિમ મહમૂદ અબ્બાસ સાથે ટેલિફોન પર વાત કરી હતી.વડાપ્રધાને  ગાઝામાં અલ અહલી હોસ્પિટલમાં નાગરિકોનાં મૃત્યુ પર ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.

ભારત અને આ વિસ્તાર વચ્ચે પરંપરાગત રીતે ઘનિષ્ઠ અને ઐતિહાસિક સંબંધોનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ આ વિસ્તારમાં આતંકવાદ, હિંસા અને કથળતી જતી સુરક્ષા સ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.તેમણે ઇઝરાયલ-પેલેસ્ટાઇનનાં મુદ્દે ભારતની લાંબા ગાળાની અને સૈદ્ધાંતિક સ્થિતિનો પુનરોચ્ચાર કર્યો હતો.

રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે પરિસ્થિતિ અંગેના તેમના મૂલ્યાંકનને શેર કર્યું હતું. તેમણે ભારતનાં સમર્થન માટે વડાપ્રધાનનો આભાર માન્યો હતો અને ભારતની સ્થિતિની પ્રશંસા કરી હતી.

વડાપ્રધાનએ જણાવ્યું હતું કે, ભારત પેલેસ્ટાઇનનાં લોકો માટે માનવતાવાદી સહાય મોકલવાનું ચાલુ રાખશે.બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.

ગાઝાની અલ-અહલી અરબ હોસ્પિટલમાં મંગળવારે થયેલા વિસ્ફોટમાં લગભગ 500 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. પેલેસ્ટિનિયન અધિકારીઓએ આ વિસ્ફોટ માટે ઈઝરાયેલના હવાઈ હુમલાને જવાબદાર ગણાવ્યો હતો, પરંતુ ઈઝરાયેલે કહ્યું હતું કે તે તેમાં સામેલ નથી અને વિસ્ફોટ નિષ્ફળ પેલેસ્ટિનિયન રોકેટને કારણે થયો હતો.

ગાઝામાં એક હોસ્પિટલ પર થયેલા હુમલામાં મોટી સંખ્યામાં લોકોના માર્યા જવા પર દુઃખ વ્યક્ત કરતા વડાપ્રધાન મોદીએ બુધવારે કહ્યું હતું કે ચાલી રહેલા સંઘર્ષમાં નાગરિકોની જાનહાનિ ગંભીર ચિંતાનો વિષય છે અને તેમાં સામેલ લોકોને જવાબદાર ઠેરવવા જોઈએ.

મોદીએ ‘X’ (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, “ગાઝાની અલ અહલી હોસ્પિટલમાં લોકોના દુ:ખદ મૃત્યુથી ઊંડો આઘાત લાગ્યો છે. પીડિતોના પરિવારો પ્રત્યે અમારી હ્રદયપૂર્વકની સંવેદના અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા છે.” વડા પ્રધાને કહ્યું હતું કે, ”ચાલુ સંઘર્ષમાં નાગરિકોની જાનહાનિ ગંભીર અને સતત ચિંતાનો વિષય છે. જેઓ સંડોવાયેલા છે તેમને જવાબદાર ઠેરવવા જોઈએ.”