અગ્નિપથ યોજનાની પહેલી બેચના જવાનો સાથે પીએમ મોદીએ કર્યો સંવાદ
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગ્નિપથ યોજનાની પહેલી બેચના જવાનો સાથે સંવાદ કર્યો હતો. PM મોદીએ વર્ચ્યુલી સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ ઉપસ્થિત રહ્યાં હતા. પીએમ મોદીએ ત્રણેય સેનાઓની પ્રથમ બેચના 40 હજાર અગ્નિવીરોને સંબોધિત કર્યાં હતા. મોદી સરકારે ગયા વર્ષે જ અગ્નિપથ યોજનાની શરૂઆત કરી હતી. જે અનુસાર યુવાનોની ચાર વર્ષ માટે સેનામાં ભરતી કરવામાં આવશે.
અગ્નિપથ યોજના હેઠળ આર્મી, નેવી અને એરફોર્સમાં જવાનોની ભરતી કરાશે. આ યોજના હેઠળ દર વર્ષે 40થી 45 હજાર યુવાનોની સેનામાં ભરતી કરવામાં આવશે. આ યોજનાનો કેટલાક રાજ્યોમાં વિરોધ થતા સરકારે 2022માં ભરતી માટે ઉંમર મર્યાદા વધારીને 23 વર્ષ કરી હતી. કેન્દ્ર સરકારે 14મી જૂનના રોજ જાહેરાત કરી હતી કે, આ વર્ષે અગ્નિપથ યોજના હેઠળ 46 હજાર અગ્નિવીરોની ભરતી કરાશે. સેના માટે 40 હજાર અને આઈએએફ-નેવી માટે ત્રણ-ત્રણ હજાર જવાનોની ભરતી કરાશે.
ચાર વર્ષની નોકરીમાં અગ્નિવીરોને પ્રથમ વર્ષે દર મહિને રૂ 30 હજાર, બીજા વર્ષે દર મહિને રૂ. 33 હજાર, ત્રીજા વર્ષે દર મહિને રૂ. 36500 અને ચોથા વર્ષે દર મહિને રૂ. 40 હજારની સેલરી આપવામાં આવશે. આ સેલરીમાંથી દર મહિને 30 ટકા રકમ કાપવામાં આવશે. આ રકમ સરકાર પાસે જમા રહેશે અને જ્યારે જવાન નિવૃત્ત થશે નિવૃતિ ફંડ તરીકે જમા રકમ આપવામાં આવશે. આ ઉપરાંત રિસ્ક, હાર્ડશિપ એલાઉન્સ, રાશન એલાઉન્સ, ડ્રેસ અને ટ્રાવેલ્સ એલાઉન્સ પણ આપવામાં આવશે.