- નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 126મી જન્મજયંતિ
- પીએમ મોદીએ 80 યુવાનોને સંસદમાં કર્યા આમંત્રિત
દિલ્હીઃ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 જાન્યુઆરીના રોજ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 126મી જન્મજયંતિ પર 80 યુવાનોને સંસદમાં આમંત્રિત કરી રહ્યા છે. આમ કરવા પાછળનો તેમનો હેતુ આપણી નવી પેઢીને આઝાદી માટે લડનારા અને દેશને વર્તમાન આકાર આપનાર મહાન નેતાઓ સાથે ગાઢ સંબંધ અનુભવ કરાવાનો છે.
સંસદમાં આવનારા 80 યુવાનોમાંથી 35 છોકરીઓ અને 45 છોકરાઓ છે. તેઓ દેશના દરેક ખૂણેથી પસંદ કરવામાં આવ્યા છે. તેમની પસંદગી DIKSHA પોર્ટલ અને Mygov પરની ક્વિઝ, જિલ્લા અને રાજ્ય સ્તરની વક્તૃત્વ સ્પર્ધાઓ, નેતાજીના જીવન પર યુનિવર્સિટી સ્તરની સ્પર્ધાઓ વગેરેના આધારે કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે આમંત્રિત યુવાઓ સંસદના સેન્ટ્રલ હોલમાં નેતાજીને ફૂલ અર્પણ કરશે. સામાન્ય નાગરિકોને આ કાર્યક્રમનો ભાગ બનાવીને માત્ર નેતાઓ અને મહાનુભાવો દ્વારા જ ફૂલ ચઢાવવાની પ્રથા હવે બદલાશે . દેશના અગ્રણી નેતાઓના યોગદાનથી યુવાનોને પરિચિત કરાવવા માટે આ પરંપરા 2 ઓક્ટોબર 2022થી શરૂ કરવામાં આવી હતી.
આ સાથે જ 30 યુવાનોને નેતાજી વિશે બોલવાની તક મળશે. અહીં દેશની ભાષાકીય વિવિધતા જોવા મળશે કારણ કે તેમને હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, મરાઠી અને બંગાળી એમ પાંચ ભાષાઓમાં બોલવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.