Site icon Revoi.in

પ્રધાનમંત્રી મોદી રશિયા અને ઑસ્ટ્રિયાની મુલાકાતે રવાના

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રશિયાની રાજધાની મોસ્કો જવા રવાના થયા. આ અંગે ભારતીય વિદેશ મંત્રાલયે પોતાના એક્સ હેન્ડલ પર સ્પેશિયલ પ્લેનમાં સવાર થઈ રહેલા પ્રધાનમંત્રીનો ફોટો જાહેર કર્યો છે. સ્પેશિયલ પ્લેન મોસ્કોના વનુકોવો-2 એરપોર્ટ પર સાંજે 5:20 વાગ્યે ઉતરશે. પીએમ મોદી 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેવા માટે રશિયા જઈ રહ્યા છે.

પ્રધાનમંત્રી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેવા જઈ રહ્યા છે. તે આજે અને કાલે મોસ્કોમાં હશે. બંને નેતાઓ ભારત અને રશિયા વચ્ચેના બહુ-આયામી સંબંધોની સમગ્ર શ્રેણીની સમીક્ષા કરશે અને પરસ્પર હિતના સમકાલીન પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરશે.

ભારત સરકારના પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર આ પછી, પ્રધાનમંત્રી ઑસ્ટ્રિયાની મુલાકાત લેશે. તેઓ 9 અને 10 જુલાઈના રોજ ઑસ્ટ્રિયામાં રહેશે. 41 વર્ષમાં ભારતીય પ્રધાનમંત્રીની ઑસ્ટ્રિયાની આ પ્રથમ મુલાકાત હશે. પ્રધાનમંત્રી મોદી ઑસ્ટ્રિયાના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર વેન ડેર બેલેનને મળશે અને ઑસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહામર સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રી મોદી અને નેહમર ભારત અને ઑસ્ટ્રિયાના ઉદ્યોગપતિઓને પણ સંબોધિત કરશે.

પ્રધાનમંત્રી મોદી રશિયાના મોસ્કોની સાથે વિયેનામાં રહેતા ભારતીય સમુદાયના લોકો સાથે પણ વાતચીત કરશે. રશિયામાં ઘણા મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. દુનિયા ખાસ કરીને સંરક્ષણ સોદા પર નજર રાખશે. ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ આ પ્રથમ વખત છે જ્યારે પીએમ મોદી રશિયા જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીની રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત પર સમગ્ર વિશ્વની નજર છે. એ પણ મહત્વનું છે કે રશિયા-યુક્રેન યુદ્ધ બાદ આ પ્રથમ વખત છે કે પ્રધાનમંત્રી મોદી મોસ્કો જઈ રહ્યા છે.

રશિયાના રાષ્ટ્રપતિના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું છે કે, રશિયા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મોસ્કોની ખૂબ જ મહત્વપૂર્ણ મુલાકાતની રાહ જોઈ રહ્યું છે. રશિયા આ મુલાકાતને પરસ્પર સંબંધો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માને છે. શેડ્યૂલ અનુસાર, પ્રધાનમંત્રી મોદીનું વિશેષ વિમાન 5:20 વાગ્યે વનુકોવો-2 એરપોર્ટ પર ઉતરશે. તેઓ રાત્રે 9:30 થી 11:30 વાગ્યા સુધી પુતિન સાથે મુલાકાત કરશે. આ પ્રસંગે બંને નેતાઓ ડિનરમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી મોદી 9 જુલાઈએ ભારતીય મૂળના લોકોને મળશે. અન્ય બેઠકો પણ યોજાશે. આ જ દિવસે પ્રધાનમંત્રી મોદી મોસ્કોથી ઑસ્ટ્રિયા જવા રવાના થશે. તેઓ 10 જુલાઈ સુધી ઓસ્ટ્રિયાના પ્રવાસે રહેશે.