Site icon Revoi.in

PM મોદી 4 દિવસના યુએસ પ્રવાસ પર રવાના,કહ્યું-આ મુલાકાતથી સંબંધો મજબૂત થશે

Social Share

દિલ્હી :વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની તેમની પ્રથમ સત્તાવાર રાજકીય મુલાકાત માટે દિલ્હીથી રવાના થઈ ચુક્યા છે. તેઓ 20 થી 25 જૂન સુધી યુએસ અને ઇજિપ્તની રાજકીય યાત્રા પર રહેશે. તેઓ ભારતીય સમય અનુસાર આજે રાત્રે ન્યુયોર્ક પહોંચશે. અમેરિકા જતા પહેલા પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે તેઓ ન્યૂયોર્ક સિટી અને વોશિંગ્ટન ડીસીમાં ઘણા કાર્યક્રમોમાં હાજરી આપશે.

PM મોદી આજે સવારે લગભગ 7.15 વાગ્યે અમેરિકાની તેમની પ્રથમ સત્તાવાર રાજકીય મુલાકાત માટે નવી દિલ્હીથી રવાના થયા હતા. તેઓ યુએસ પ્રવાસ દરમિયાન ન્યુયોર્કમાં યુનાઈટેડ નેશન્સ હેડક્વાર્ટર (યુએન મુખ્યાલય) ખાતે યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે અને યુએસ પ્રમુખ જો બાઈડેન સાથે બેઠક કરશે અને વોશિંગ્ટન ડીસીમાં યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને પણ સંબોધિત કરશે. પીએમ પ્રવાસ દરમિયાન તેઓ ત્યાં ઘણા બિઝનેસ લીડર્સ સાથે પણ મુલાકાત કરશે. ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે.

વડાપ્રધાન મોદીએ અમેરિકા રવાના થતા પહેલા ટ્વીટ કર્યું હતું કે હું અમેરિકા જવા રવાના થઈશ, જ્યાં હું ન્યૂયોર્ક સિટી અને વોશિંગ્ટન ડીસીમાં ઘણા કાર્યક્રમોમાં સામેલ થઈશ. જેમાં યુએન હેડક્વાર્ટરમાં યોગ દિવસ પર યોગ, રાષ્ટ્રપતિ બાઈડેન સાથે વાતચીત અને અમેરિકી સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરવા સહિત અનેક કાર્યક્રમો સામેલ છે.

અન્ય એક ટ્વીટમાં પીએમ મોદીએ કહ્યું કે અમેરિકામાં મને ઘણા બિઝનેસ લીડર્સ સાથે મળવાની, ભારતીય સમુદાય સાથે વાતચીત કરવાની અને જીવનના અનેક ક્ષેત્રના અનુભવી ચિંતકોને મળવાની તક પણ મળશે. તેમણે કહ્યું કે અમે વેપાર, વાણિજ્ય, નવીનતા, ટેક્નોલોજી અને અન્ય ઘણા ક્ષેત્રોમાં ભારત-અમેરિકા સંબંધોને વધુ ગાઢ બનાવવા માંગીએ છીએ.

અમેરિકાની મુલાકાતમાં દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ મુખ્ય એજન્ડા હશે.આ સિવાય બંને દેશો વચ્ચે મજબૂત વેપાર અને રોકાણની ભાગીદારી અને ટેક્નોલોજી, ટેલિકોમ, સ્પેસ, મેન્યુફેક્ચરિંગ અને રોકાણ જેવા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. વિદેશ મંત્રાલયે પીએમની આ મુલાકાતને બંને દેશો વચ્ચેના સંબંધો માટે સીમાચિહ્નરૂપ ગણાવી છે. આ સાથે તેને ખૂબ જ મહત્વપૂર્ણ યાત્રા ગણાવવામાં આવી છે.

પીએમના યુએસ-ઇજિપ્ત પ્રવાસ વિશે માહિતી આપતા વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ કહ્યું કે પીએમ મોદી 21-23 જૂન સુધી યુએસ પ્રવાસ પર રહેશે. PMનો સત્તાવાર પ્રવાસ 21 જૂને સવારે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોગ દિવસની ઉજવણી સાથે શરૂ થશે. તે ઘણા મોટા નેતાઓને પણ મળશે.

આ પછી પીએમ વોશિંગ્ટન ડીસીમાં ‘સ્કેલિંગ ફોર ફ્યુચર’ પર આધારિત એક કાર્યક્રમમાં હાજરી આપશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને પીએમ મોદી વચ્ચે 21 જૂને જ ખાનગી મુલાકાત થઈ શકે છે. બીજા દિવસે 22 જૂને વ્હાઇટ હાઉસમાં પીએમનું સ્વાગત કર્યા બાદ દ્વિપક્ષીય બેઠક કરશે. તેઓ અમેરિકી સંસદના સંયુક્ત સત્રને પણ સંબોધિત કરશે

ક્વાત્રાએ કહ્યું કે પીએમ મોદીની યુએસ મુલાકાતનું એક મહત્વપૂર્ણ પાસું બંને દેશો વચ્ચે મજબૂત ટેક્નોલોજી જોડાણ, સંરક્ષણ ઔદ્યોગિક સહકાર રોડમેપ અને આર્થિક સંબંધોમાં સુધારો છે. બાઈડેન સાથે સંરક્ષણ સહ-ઉત્પાદન અને સહ-વિકાસ સંબંધિત તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા ઉપરાંત, તેઓ સેમિકન્ડક્ટર્સ, એરોસ્પેસમાં સહકાર અંગે પણ ચર્ચા કરશે.

જનરલ ઈલેક્ટ્રીકને ભારતમાં સ્થાનિક રીતે બનાવેલા ફાઈટર જેટ્સ માટે એન્જિન બનાવવા માટે યુએસની મંજૂરીની જાહેરાત, $3 બિલિયનના મૂલ્યના 31 સશસ્ત્ર MQ-9B સીગાર્ડિયન ડ્રોનની ખરીદીની પણ જાહેરાત કરવામાં આવશે.

ભારતના આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, અમે 2025-26 સુધીમાં દેશના જીડીપીના 20-25 ટકા ટેક્નોલોજી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ સંદર્ભમાં પીએમની મુલાકાત મહત્વપૂર્ણ છે.

ડેમોક્રેટ સેનેટર માર્ક વોર્નરે કહ્યું, ભારત તેની સરહદ પર ચીનનો હરીફ છે. આવી સ્થિતિમાં ભારત-અમેરિકન પ્રતિબદ્ધતા મહત્વપૂર્ણ રહેશે.કોંગ્રેસના સભ્ય જુઆન સિસ્કોમનીએ એક વીડિયો સંદેશમાં કહ્યું કે તેઓ મોદીની ઐતિહાસિક મુલાકાતનું સ્વાગત કરે છે. બંને દેશો વચ્ચેના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ફર્સ્ટ સોલરના સીઈઓ માર્ક વિડમરે જણાવ્યું હતું કે, અમે ભારતમાં રોકાણ કરવા અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનના પ્રભાવનો સામનો કરવા માટે વ્યૂહાત્મક ભાગીદાર શોધવા માટે ગર્વ અનુભવીએ છીએ.

પીએમ મોદીની યુએસ મુલાકાત પહેલા ભારતીય-અમેરિકનોના મોટા વર્ગમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છે. સેંકડો ભારતીય ડાયસ્પોરા દેશના અગ્રણી સ્થળોએ એકઠા થયા હતા અને મોદીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. સેંકડો ભારતીય-અમેરિકનો નેશનલ મેમોરિયલ પાસે ભેગા થયા અને વોશિંગ્ટન ડીસી અને તેની આસપાસના વિસ્તારોમાં એકતાનો સંદેશ ફેલાવવા માટે સરઘસ કાઢ્યું.

ક્વાત્રાએ કહ્યું, પીએમ 24-25 જૂને ઇજિપ્તની મુલાકાત લેશે. આ મુલાકાત ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીના આમંત્રણ પર છે. તેઓ અહીં 11મી સદીના વોહરા સમુદાયની અલ-હકીમ મસ્જિદની મુલાકાત લેશે. તે ભારતીય સૈનિકોને પણ શ્રદ્ધાંજલિ આપશે જેમણે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઇજિપ્ત માટે લડતી વખતે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. આ સાથે ઘણા કરારો પર પણ હસ્તાક્ષર કરવામાં આવશે.