- પેરાલિમ્પિક્સમાં ભારતે જીત્યા 29 મેડલ
- PM મોદીએ ખેલાડીઓ સાથે કરેલી મુલાકાતનો વીડિયો આવ્યો સામે
- પીએમ મોદી ખેલાડીઓ સાથે હસી મજાક કરતા જોવા મળ્યાં
નવી દિલ્હીઃ પેરિસ પેરાલિમ્પિક્સ રમતમાં ઈતિહાસ કરીને ભારત પરત ફરેલા ભારતીય ખેલાડીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી હતી. જેનો વીડિયો સામે આવ્યો છે. જેમાં પીએમ મોદી પેરા એથલીટ્સ સાથે હસી મજાક કરતા જોવા મળ્યાં હતા. તેમણે ઈતિહાસ કરનાર ખેલાડીઓ અને કોચની પ્રશંસા કરી હતી. પેરિસ પેરાલિમ્પિક્સમાં રેકોર્ડબ્રેક 29 મેડલ જીતીને ભારતીય ખેલાડીઓ મંગળવારે ભારત પરત ફર્યાં હતા. ભારતે પેરિસ પેરાલિમ્પિક્સમાં સાત ગોલ્ડ, નવ સિલ્વર અને 13 કાસ્ય મેડલ જીત્યાં છે. તેમજ મેડલ યાદીમાં ભારત 18માં ક્રમે રહ્યું હતું. ટોક્યોમાં ભારતે 19 મેડલ જીત્યા હતા અને તે વખતે ભારત મેડલ યાદીમાં 24માં ક્રમે હતું. આ વખતે ભારત 25 પારના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતર્યું હતું. આ લક્ષ્યાંક ભારતે હાંસલ કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે રમત-ગમત મંત્રી મનસુખ માંડવિયા અને પીસીઆઈના અધ્યક્ષ દેવેન્દ્ર ઝાઝરિયા પણ જોવા મળ્યાં હતા. જૂડોમાં પેરાલપિંક મેડલ જીતીને ઈતિહાસ રચનાર કપિલ પરમારએ પીએમ મોદીને એક મોમેન્ટો ગીફ્ટ આપ્યો હતો. જે બાદ વડાપ્રધાન મોદીએ કપિલને ઓટોગ્રાફ આપ્યો હતો. જ્યારે અવનિ લેખરાએ પીએમ મોદીને ગોલ્ડ મેડલવાળો ગ્લવ્સ અને એક જર્સી ભેટમાં આપી હતી. વડાપ્રધાન મોદીએ અવનિના માથા ઉપર હાથ મુકીને આર્શિવાદ આપ્યાં હતા.