આઝાદીની ‘હીરક જયંતિ’ પર ગામડાઓમાં કાર્યક્રમ યોજવા પીએમ મોદીની બીજેપી સાંસદોને સૂચના
- 75મા સ્વતંત્ર દિવસની તૈયારીઓ
- પીએમ મોદીએ ગામડાઓમાં કાર્યક્રમો યોજવા સાંસદોને આપ્યા આદેશ
દિલ્હીઃ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના સાંસદોને આઝાદીની 75 મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે તેમના સંસદીય ક્ષેત્રના દરેક ગામમાં કાર્યક્રમો યોજવા માટે જણાવ્યું છે. પીએમ મોદીની મંગળવારે ભાજપના સાંસદો સાથેની બેઠક બાદ સંસદીય બાબતોના મંત્રી અર્જુનરામ મેઘવાલે આ સમગ્ર બાબતને લઈને માહિતી આપી હતી.
વડા પ્રધાને સાંસદોને વિપક્ષી પાર્ટીઓને ખુલ્લા મને ચર્ચા માટે પણ કહ્યું હતું કારણ કે સરકાર તેમના સાથે ચર્ચા માટે તૈયાર છે, પરંતુ વિપક્ષ તે માટે તૈયાર નથી. મોદીએ કહ્યું હતું કે સ્વતંત્રતાની ડાયમંડ જ્યુબિલી ઉજવણી માત્ર સરકારી કાર્યક્રમ જ ન રહેવી જોઇએ, પરંતુ તેમાં લોકોની ભાગીદારી પણ સુનિશ્ચિત થવી જોઈએ.
તેમણે સાંસદોને દરેક વિધાનસભામાં બે કાર્યકરોની ટીમ બનાવવાનું કહ્યું, જે લોકોના અભિપ્રાયો અને સૂચનો લેવા માટે કાર્યક્રમોનું આયોજન કરશે, તેઓ સ્વતંત્રતાના 100 વર્ષ પૂરા થવા પર 2047 માં કયા પ્રકારનાં ભારતને જોવા માંગે છે.
તેમણે આ સાથે જ સાંસદનો કહ્યું હતું કે,કાર્યકર્તાઓની ટીમ દરેક વિધાનસભા ક્ષેત્રના 75 ગામની મુલાકાત કરે અને દરેક ક્ષેત્રમાં 75 કલાક જેટલો સમય વિતાવે.