નેશનલ વોર મેમોરિયલ ખાતે પીએમ મોદીએ વીર શહીદોને પાઠવી શ્રદ્ધાંજલી
નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં આજે તા. 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ વોર મેમોરિયલ ગયા હતા. પીએમ મોદીની સાથે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ પણ ગયા હતા. નેશનલ વોર મેમોરિયલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદોને શ્રદ્ધાંજલી પાઠવી હતી.
નેશનલ વોર મેમોરિયલ ખાતે શહીદોને શ્રદ્ધાંજલી પાઠવ્યા બાદ પીએમ મોદી કર્તવ્યપંથ ગયા હતા. કર્તવ્યપથ ઉપર વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. કર્તવ્યપથ ઉપર પરેડને લઈને મોટી સંખ્યામાં મહેમાનો પણ ઉમટી પડ્યાં હતા. દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જગદીપજી આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજનાથસિંહએ તેમનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રોપદીજી અને સમારોહના મુખ્ય અતિથિ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોન આવતા તેમનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ભવનથી રાષ્ટ્રપતિ મૂર્મુજી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ બગીમાં કર્તવ્યપથ આવ્યાં હતા.