Site icon Revoi.in

પીએમ મોદીએ તમિલ કવિ સંત તિરુવલ્લુવરને શ્રદ્ધાંજલિ અર્પી,યુવાનોને કુરલ વાંચવા કરી અપીલ

Social Share

દિલ્હીઃ-વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તમિલ કવિ અને સંત તિરુવલ્લુવરને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે, તેમના આદર્શોએ દરેક પેઢીના લોકોને સકારાત્મક પ્રભાવ પાડ્યો છે. તેમણે દેશભરના યુવાનોને પણ તિરુવલ્લુવર દ્વારા રચિત કુરલ વાંચવા અપીલ કરી છે. તિરુવલ્લુવર દ્વારા રચિત તિરુક્કુરલ અથવા ‘કુરલ’તમિલ ભાષાની એક પ્રાચીન આદરણીય કૃતિ છે.

પીએમ મોદીએ ટવિટ કર્યું કે,’તિરુવલ્લુવર દિવસ પર હું સંત તિરુવલ્લુવરને નમન કરું છું. તેમના વિચારો અને કાર્ય દર્શાવે છે કે, તેમને કેટલું જ્ઞાન હતું. તેમના આદર્શોની દરેક પેઢીના લોકો પર સકારાત્મક અસર પડી હતી.હું દેશભરના યુવાનોને કુરલ વાંચવા અપીલ કરું છું. ‘

દક્ષિણ ભારતના પ્રમુખ રાજ્યોમાં ગણવામાં આવેલા તમિલનાડુમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ સાથે ભાજપ પણ દક્ષિણ ભારતના રાજકારણમાં પગપેસારો કરવાનો પ્રયાસ કરી રહી છે.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત ગુરુવારે રાજ્યના પોંગલ ઉત્સવમાં સામેલ થયા હતા. અને અચાનક સંગઠનના કાર્યકર્તાના ઘરે ગયા હતા. અને તમિલ ભાષાના વેદ ગણાતા તિરુકુરલનો એક દોહો વાંચીને સંભળાવ્યો હતો. આ પ્રસંગે તેમણે ગાયની પૂજા પણ કરી હતી

તિરુવલ્લુવર દક્ષિણ ભારતના મહાન સંત હતા. લોકો તેને દક્ષિણ ભારતના કબીર તરીકે પણ ઓળખે છે. તેમણે તમિલ ભાષામાં ગ્રંથ તિરુક્કુરલની રચના કરી હતી. આ ગ્રંથને વેદ સમાન માનવામાં આવે છે.

તિરુક્કુરલમાં કુલ 1,330 ટૂંકી કવિતાઓ છે. તમિલમાં “તિરુ” શબ્દનો અર્થ સંત છે. જે શ્લોકમાં આ ગ્રંથ લખાયો છે, તેને “કુરલ” કહેવામાં આવે છે. આમ આ ગ્રંથનું નામ “તિરુક્કુરલ” પડ્યું અને લેખક વલ્લુવરની જગ્યાએ તિરુવલ્લુવર તરીકે પ્રખ્યાત થયા.

સંત તિરુવલ્લુવર તમિલનાડુમાં નોંધપાત્ર મહત્વ ધરાવે છે. આ જ કારણ છે કે, તમિલનાડુ સરકાર દર વર્ષે 15 જાન્યુઆરીએ તિરુવલ્લુવર દિવસની ઉજવણી કરે છે.

દેવાંશી-