Site icon Revoi.in

ટી20 ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃતિ જાહેર કરનાર રવિન્દ્ર જાડેજાની પીએમ મોદીએ કરી પ્રશંસા

Social Share

નવી દિલ્હીઃ ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિન્દ્ર જાડેજાના નિવૃત્તિ પર પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં પીએમ મોદીએ રવિન્દ્ર જાડેજાના ખૂબ વખાણ કર્યા છે. રવિન્દ્ર જાડેજાના એક દિવસ પહેલા વિરાટ કોહલી અને રોહિત શર્માએ પણ T20Iમાંથી નિવૃત્તિ લીધી હતી.

રવીન્દ્ર જાડેજાની નિવૃત્તિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે. જેમાં તેમણે લખ્યું કે, પ્રિય રવિન્દ્ર જાડેજા, તમે ઓલરાઉન્ડર તરીકે શાનદાર રમત બતાવી છે. ક્રિકેટ ચાહકો તમારી સ્પિન બોલિંગ અને શાનદાર ફિલ્ડિંગના વખાણ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં T20 ફોર્મેટમાં તમારા યોગદાન બદલ આભાર, તમારા ભવિષ્ય માટે શુભકામનાઓ. આ સાથે જ જાડેજાએ શુભકામનાઓ બદલ પ્રધાનમંત્રી મોદીનો આભાર પણ માન્યો હતો.

રવીન્દ્ર જાડેજાએ વર્ષ 2009માં ભારતીય ક્રિકેટ ટીમ તરફથી ડેબ્યૂ કર્યું. તેમણે T20I ફોર્મેટમાં કુલ 74 મેચ રમી છે. જેમાં સ્ટાર ઓલરાઉન્ડરે 127.16ના સ્ટ્રાઈક રેટથી 515 રન નોંધાવ્યા અને 54 વિકેટ લીધી. આ સિવાય વર્ષ 2009થી 2024 દરમિયાન ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

આ પહેલા T20 વર્લ્ડ કપ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામેની જીત બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ઇન્ટરનેશનલ T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. હવે આ યાદીમાં રવિન્દ્ર જાડેજા પણ જોડાઈ ગયા છે. આ રીતે T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યા બાદ ભારતના ત્રણ મોટા ખેલાડીઓએ ફોર્મેટને અલવિદા કહી દીધું છે.