દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 દિવસના અમેરિકા અને ઈજિપ્તના પ્રવાસ બાદ ભારત પરત ફર્યા છે. વડાપ્રધાનના સ્વાગત માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
પીએમ મોદીને આવકારવા માટે જેપી નડ્ડા ઉપરાંત કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી અને દિલ્હીના અનેક સાંસદો હાજર રહ્યા હતા. દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીર, ડૉ. હર્ષવર્ધન, મનોજ તિવારી, હંસરાજ હંસ, પ્રવેશ વર્મા, રમેશ બિધુરીએ પીએમનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના આમંત્રણ પર અમેરિકાની ત્રણ દિવસની મુલાકાત બાદ મોદી શનિવારે ઇજિપ્ત પહોંચ્યા હતા. મોદીએ ટ્વીટ કર્યું, ‘મારી ઇજિપ્તની મુલાકાત ઐતિહાસિક હતી. આનાથી ભારત-ઇજિપ્તના સંબંધોમાં નવી ઉર્જા આવશે અને આપણા દેશોના લોકોને ફાયદો થશે. હું રાષ્ટ્રપતિ અલ-સીસી, સરકાર અને ઇજિપ્તના લોકોનો તેમના સ્નેહ બદલ આભાર માનું છું.
વડાપ્રધાન મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન અનેક મહત્વના કરારો પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ બાઈડેને લશ્કરી વિમાનો અને યુએસ ડ્રોન સોદાને વધુ સુધારવા માટે ભારતમાં સંયુક્ત રીતે જેટ એન્જિનનું ઉત્પાદન કરવાનું વચન આપ્યું હતું. પીએમએ આ ‘ઐતિહાસિક’ કરારની પ્રશંસા કરી.
પીએમ મોદીએ આ પ્રવાસમાં બીજી વખત યુએસ કોંગ્રેસને સંબોધિત કરીને ઈતિહાસ રચ્યો છે. યુએસ કોંગ્રેસને બીજી વખત સંબોધન કરનાર મોદી પ્રથમ ભારતીય પીએમ છે.
મોદીએ 20 જૂને તેમની પાંચ દિવસીય મુલાકાત શરૂ કરી હતી. તેઓ 21-24 જૂન દરમિયાન અમેરિકાની મુલાકાતે ગયા હતા. તેમની યુએસ મુલાકાત ન્યૂયોર્કમાં શરૂ થઈ, જ્યાં તેમણે નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે 21 જૂનના રોજ સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે એક ઐતિહાસિક કાર્યક્રમનું નેતૃત્વ કર્યું.