તમિલનાડુના કન્યાકુમારી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામા એટેકનો ઉલ્લેખ કરતા જવાનોને સલામ કરી છે. પીએમ મોદીએ કહ્યુ છે કે પુરોગામી સરકારોમાં આતંકવાદી હુમલા પર કડક કાર્યવાહી કરવામાં આવતી ન હતી. પરંતુ હાલની સરકારે સેનાને આતંકવાદીઓ સામે બદલો લેવાની ખુલ્લી છૂટ આપી છે.
પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆત વિંગ કમાન્ડર અભિનંદનની પ્રશંસા સાથે કરી હતી. મહત્વપૂર્ણ છે કે વિંગ કમાન્ડર અભિનંદન અટારી બોર્ડર પરથી ભારત વતન વાપસી કરી રહ્યા હતા, ત્યારે તેમણે પોતાના સંબોધનમાં ભારત અભિનંદનના શૌર્યને વંદન કર્યા હતા. વિંગ કમાન્ડર અભિનંદન બુધવારથી પાકિસ્તાનની કસ્ટડીમાં હતા.
પીએમ મોદીએ જવાનોને સલામ કરતા કહ્યુ હતુ કે 26/11 ભારતમાં થયું, પરંતુ કંઈ થયું નહીં. પરંતુ ઉરી થયું અને પુલવામા થયું, અમે બદલો લીધો. હું સલામ કરું છું એ સૈનિકોને જેઓ આપણા દેશની સેવા કરી રહ્યા છે. એક સમય હતો કે જ્યારે અખબારોમાં સમાચાર આવતા હતા કે ફોર્સ બદલો ઈચ્છે છે, પરંતુ તેમને યુપીએ સરકારે આવી પરવાનગી આપી ન હતી. આજે ખબરો આવે છે કે સેનાને ખુલ્લી છૂટ આપી દેવામાં આવી છે, જે ચાહે તે કરે. આતંકવાદીઓ સામે બદલો લે.
વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણની શરૂઆતમાં કહ્યુ હતુ કે દરેક ભારતીયોને ગર્વ છે કે વિંગ કમાન્ડર અભિનંદન તમિલનાડુના છે. તેમણે આતંકવાદનો ઉલ્લેખ કરતા કહ્યુ છે કે ઘણાં વર્ષોથી દેશ આતંકવાદનો સામનો કરી રહ્યો હતો. 200થી 2014 સુધી ઘણાં આતંકવાદી હુમલા થયા છે. જયપુર, મુબંઈ, પુણે, હૈદરાબાદ ઘણાં સ્થાનો પર હુમલા થયા છે. પરંતુ કોઈએ પણ આના પર કડક કાર્યવાહી કરી નથી.
પીએમ મોદીએ કહ્યુ છે કે કેટલાક લોકો એવા છે કે જેમના નિવેદનોથી ભારતને નુકસાન થઈ રહ્યું છે અને પાકિસ્તાનને ફાયદો થઈ રહ્યો છે. કેટલાક લોકોના નિવેદન પાકિસ્તાની સંસદ અને પાકિસ્તાનના રેડિયોમાં ખૂબ ખુશી સાથે ટાંકવામાં આવે છે. હું તેમને પુછવા ચાહુ છે કે તેઓ સેનાનું સમર્થન કરે છે અથવા તો પછી તેમને (પાકિસ્તાનને) ?
વિપક્ષી પાર્ટીઓને નિશાને લેતા વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે મોદીથી નફરત કરનારી કેટલીક પાર્ટીએ ભારતથી નફરત કરવાની શરૂઆત કરી દીધી છે. ભલે આખો દેશ આપણી સેનાઓનું સમર્થન કરી રહ્યો હોય, પણ આવા લોકો તેમના પર શંકા કરે છે. આખી દુનિયા આતંકવાદ વિરુદ્ધ ભારતની લડાઈનું સમર્થન કરી રહી છે, પરંતુ કેટલીક પાર્ટીઓ આતંકવાદ વિરુદ્ધ આપણા યુદ્ધને શંકાની નજરે જોઈ રહી છે.