મુંબઈ:સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પીએમ મોદીનો પ્રભાવ ચાલુ છે. એક તરફ પીએમ મોદી એપ્રુવલ રેટિંગમાં વિશ્વભરના નેતાઓને પાછળ છોડી રહ્યા છે, તો બીજી તરફ તેમણે યુટ્યુબ પર પણ સબસ્ક્રાઇબર્સની બાબતમાં એક નવો માઇલસ્ટોન હાંસલ કર્યો છે. પીએમ મોદીની યુટ્યુબ ચેનલ 20 મિલિયન એટલે કે 2 કરોડ સબસ્ક્રાઈબર સુધી પહોંચી ગઈ છે. પીએમ મોદી આ વિશેષ દરજ્જો મેળવનાર વિશ્વના પ્રથમ નેતા છે.
પીએમ મોદીએ યુટ્યુબ પર અપલોડ કરેલા વીડિયોને અત્યાર સુધીમાં 4.5 અબજ એટલે કે 450 કરોડ વ્યૂઝ મળ્યા છે. પીએમ મોદીની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબર, વીડિયો વ્યૂ અને ક્વોલિટીના મામલે રાજકીય નેતાઓમાં સૌથી આગળ છે. તેમની ચૅનલ વ્યૂઝ અને સબ્સ્ક્રાઇબર્સની દ્રષ્ટિએ તેમના ભારતીય અને વૈશ્વિક સમકાલીન લોકોની YouTube ચૅનલોને પાછળ છોડી ગઈ છે.
થોડા મહિના પહેલા જ પીએમ મોદીએ યુટ્યુબ ફેનફેસ્ટ ઈન્ડિયાને સંબોધિત કરતા કહ્યું હતું કે તેઓ પોતે યુટ્યુબર છે. પીએમએ કહ્યું હતું કે તેઓ પોતે છેલ્લા 15 વર્ષથી યુટ્યુબ દ્વારા દેશ અને દુનિયા સાથે જોડાયેલા છે. પીએમ મોદીએ યુઝર્સને તેમની ચેનલ સબસ્ક્રાઈબ કરવાની અપીલ પણ કરી હતી. તેણે કહ્યું હતું- “મારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને મારા તમામ અપડેટ્સ મેળવવા માટે બેલ આઇકોન દબાવો”.
યુટ્યુબ ઉપરાંત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ પીએમ મોદીની મોટી ફેન ફોલોઈંગ છે. પીએમ મોદીના X (અગાઉ ટ્વિટર) એકાઉન્ટ પર 94 મિલિયન ફોલોઅર્સ છે. આ સિવાય પીએમ મોદીના ઈન્સ્ટાગ્રામ પર 82.7 મિલિયન ફોલોઅર્સ છે. જો ફેસબુકની વાત કરીએ તો પીએમ મોદીના 48 મિલિયન ફોલોઅર્સ છે. તે જ સમયે પીએમ મોદીની તેમની Whatsapp ચેનલ પર 12.6 મિલિયન ફોલોઅર્સ છે.