દિલ્હીઃ પીએમ મોદી તાજેરતમાં સાઉથ આફ્રિકાના પ્રવાસે હતા ત્યાર બાદ તેઓ ગ્રીસની મુલાકાતે પહોચ્યા હતા અહી તેમણે ભારતીય પ્રવાસીઓને સંબોઘિત કર્યા હતા આ દરમિયાન તેમણે ભારતમાં ચંદ્રયાન મિશન 3ની સફળતા શેર કરી હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે વિતેલી રાત્રે પીએમ મોદી ગ્રીસની રાજધાની એથેન્સમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધતા હતા ત્યારે તેમણે કહ્યું કે ભારતે ચંદ્ર પર ત્રિરંગો લહેરાવીને વિશ્વને પોતાની ક્ષમતા બતાવી છે. તેમણે કહ્યું કે ભારતનું વિજ્ઞાન, ટેક્નોલોજી અને નવીનતા વૈશ્વિક સ્તરે તરંગો સર્જી રહી છે.
આ સહીત અહી પીએમ મોદીએ ભારતના ઘણા કાર્યોના વખાણ કર્યા હતા અને કહ્યું કેતેમની સરકારે છેલ્લા નવ વર્ષમાં અનેક વિકાસ કાર્યો કર્યા છે. તેમના સમયમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં જેટલું રોકાણ થયું છે એટલું પહેલા ક્યારેય થયું નથી.
ડાયસ્પોરાના ગર્જના સાથે તાળીઓના ગડગડાટ વચ્ચે, વડા પ્રધાન મોદીએ એ પણ માહિતી આપી હતી કે ભારતમાં વિશ્વનો સૌથી ઊંચો રેલ બ્રિજ અને રોડ પૂર્ણ થઈ ગયો છે. સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા પણ આ સમયગાળા દરમિયાન પૂર્ણ થઈ ગઈ છે.
વડાપ્રધાન મોદીએ એથેન્સમાં એક બિઝનેસ લંચમાં ભારત અને ગ્રીસના બિઝનેસ ડેલિગેશનને સંબોધિત કર્યું. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધોમાં સકારાત્મક ગતિ આવી છે અને ઉદ્યોગપતિઓએ તેનો લાભ લેવો જોઈએ. તેમણે કહ્યું કે વિદેશી રોકાણ માટે ભારતના દરવાજા હંમેશા ખુલ્લા છે.
એટલું જ નહી પીએમ મોદીએ વઘુમાં એમ પણ કહ્યું કે 2014 પછી ભારતમાં 2.5 મિલિયન કિલોમીટર ઓપ્ટિકલ ફાઈબર કેબલ નાખવામાં આવી છે, જે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતર કરતાં છ ગણાથી વધુ છે. ભારતે રેકોર્ડ સમયમાં 700 જિલ્લામાં સ્વદેશી 5G ટેકનોલોજી સેવા શરૂ કરી છે.