દિલ્હી: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હજારો નાગરિકો જીવ ગુમાવી રહ્યા છે. આ હિંસા રોકવા માટે દુનિયાભરમાંથી અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોર્ડનના રાજા અબ્દુલ્લા-II સાથે વાત કરી છે. બંને નેતાઓએ વાટાઘાટોમાં આતંકવાદ, હિંસા અને નાગરિકોના નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
PM મોદીએ સોશિયલ મીડિયા પર જોર્ડનના રાજા અબ્દુલ્લા-II સાથેની તેમની વાતચીતની માહિતી શેર કરી છે. PM એ કહ્યું કે તેમણે જોર્ડનના રાજા અબ્દુલ્લા-II સાથે વાત કરી. પશ્ચિમ એશિયા ક્ષેત્રના વિકાસ અંગે વિચારોની આપ-લે કરી. અમે આતંકવાદ, હિંસા અને નાગરિકોના જીવનના નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરીએ છીએ. સુરક્ષા અને માનવતાવાદી પરિસ્થિતિને ઝડપથી ઉકેલવા માટે નક્કર પ્રયાસોની જરૂર છે.
ઇઝરાયેલમાં હમાસ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલા અને સામૂહિક નરસંહારમાં 1400થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ પછી ઈઝરાયેલે ગાઝા પર ભારે બોમ્બમારો કર્યો છે. હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 5,087 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા અને 15,270 ઘાયલ થયા હતા. મંત્રાલયે મંગળવારે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં 700થી વધુ લોકોના મોત થયા છે.
યુએનમાં ભારતના નાયબ સ્થાયી પ્રતિનિધિ રવિન્દ્રએ બુધવારે યુએન સુરક્ષા પરિષદની બેઠકમાં ભારતનો પક્ષ રજૂ કરતા કહ્યું હતું કે ‘ભારત ઈઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં બગડતી સુરક્ષા સ્થિતિ અને મોટા પાયે નાગરિકોના જાનને લઈને ખૂબ જ ચિંતિત છે.સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પેલેસ્ટાઈન સહિત મધ્ય પૂર્વની સ્થિતિ પર ખુલ્લી ચર્ચામાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી વખતે રવિન્દ્રએ આ નિવેદન આપ્યું હતું. તેણે આ યુદ્ધમાં ઈઝરાયેલને ખુલ્લેઆમ સમર્થન પણ આપ્યું હતું અને પેલેસ્ટાઈનીઓ માટે પણ ચિંતા વ્યક્ત કરી હતી. યુએનમાં ભારતે 7 ઓક્ટોબરે ઇઝરાયેલ પરના આતંકવાદી હુમલા માટે હમાસની સખત નિંદા કરી હતી.