દિલ્હી:વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાત કરી હતી.બંને દેશો વચ્ચેના “નજીક અને મહત્વપૂર્ણ” સંબંધોને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે ટેક્નોલોજી, અર્થતંત્ર અને સુરક્ષાના ક્ષેત્રમાં સહયોગને વધુ ગાઢ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.ગયા વર્ષે ડિસેમ્બરમાં નેતન્યાહુ સત્તામાં પરત ફર્યા બાદ બંને નેતાઓ વચ્ચે આ બીજી ફોન વાતચીત હતી.
ઇઝરાયલના વડાપ્રધાન કાર્યાલય (PMO)એ જણાવ્યું હતું કે,વાતચીત લગભગ 20 મિનિટ સુધી ચાલી હતી.પીએમઓના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “બંને નેતાઓએ ઇઝરાયેલ અને ભારત વચ્ચેના નજીકના અને મહત્વપૂર્ણ સંબંધોને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી.”
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “બંને નેતાઓએ ટેક્નોલોજી, અર્થતંત્ર અને સુરક્ષાના ક્ષેત્રોમાં દેશો વચ્ચેના સહયોગને વધુ ગાઢ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.”મોદીએ 11 જાન્યુઆરીએ વાતચીતમાં નેતન્યાહુને વડાપ્રધાન તરીકે શપથ લેવા પર અભિનંદન પાઠવ્યા હતા અને બંને દેશો વચ્ચે સતત સહકારના મહત્વ પર ભાર મૂક્યો હતો. નેતન્યાહુએ ગયા વર્ષે 29 ડિસેમ્બરે છઠ્ઠી વખત ઈઝરાયેલના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. છેલ્લી વાતચીત દરમિયાન મોદીએ નેતન્યાહુને પરસ્પર અનુકૂળ તારીખે ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું.