નવી દિલ્હીઃ લોકસભામાં મોદી સરકાર સામેના કોંગ્રેસના અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર આજે સંસદમાં ભારે ઉગ્રવાતાવરણ જોવા મળ્યું હતું. કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીએ મણિપુર હિંસા મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.જે બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને આડેહાથ લીધા હતા. તેમજ કોંગ્રેસના શાસનમાં મહિલાઓ સાથે થયેલા અન્યાયનો ઉલ્લેખ કરીને મોદી સરકારે કરેલી કામગીરી સદનમાં રજુ કરી હતી. સાંજના કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસ અને યુપીએ સરકાર ઉપર શાબ્દીક પ્રહાર કર્યાં હતા. તેમજ મણિપુરની પરિસ્થિતિ અંગે પણ સદનને માહિતગાર કર્યું હતું. દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપવા માટે ગૃહમાં હાજર રહેશે.” કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓ છેલ્લા ઘણા દિવસથી પીએમ મોદી મણિપુર મામલે નિવેદન આપે તેવી માંગણી કરી રહ્યાં છે. જેથી આવતીકાલે પીએમ મોદી મણિપુર હિંસા મામલે પણ જવાબ આપે તેવી આશા વ્યકત થઈ રહી છે.
વિપક્ષી પાર્ટીઓના ગઠબંધનના નામ અંગે અમિત શાહે કહ્યું કે, “યુપીકેના નામે 12 લાખના ગોટાળા બોલે છે. આવી સ્થિતિમાં તે જ નામથી પ્રજાની સમક્ષ કેવી રીતે જશે. તેથી જ હવે તેમણે પ્રજા સામે જવા માટે નામ બદલ્યું છે. તેમણે લોકસભામાં યુપીએ દ્વારા કરવામાં આવેલા કૌભાંડોની યાદી આપી હતી.” અમિત શાહે કહ્યું હતું કે, “તેમણે એટલા બધા કૌભાંડો કર્યા કે તેમની પાસે નામ બદલવા સિવાય બીજું કંઈ જ નહોતું.” એનસીપી નેતા સુપ્રિયા સુલેએ મહારાષ્ટ્રમાં સરકાર પાડવાનો ભાજપ પર આરોપ લગાવ્યો હતો. જેનો વળતો જવાબ આપતા શાહે કહ્યું કે, મહારાષ્ટ્રમાં સરકારને તોડી પાડવાનું કામ જો કોઈએ પહેલા કર્યું હોય તો તે NCPના વડા શરદ પવાર છે.