અમદાવાદઃ પાટનગર ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ સમિટની આખરી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આજે અમદાવાદના સાયન્સ સીટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત એજ્યુકેશન સમિટ-2022ના ભાગરૂપે આયોજિત બે દિવસીય ‘ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઈન્સ્ટિટ્યૂશન’ અંતર્ગત યોજાયેલા રાજ્યની ઉચ્ચ શિક્ષણની અગ્રણી સંસ્થાઓ તેમજ યુનિવર્સિટીના એક્ઝિબિશનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર નવી શિક્ષણ નીતિનો અમલ કરવા કટિબદ્ધ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સંકલ્પને આ નીતિ બળ આપનારી છે. આપણે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપવા સંપૂર્ણ પ્રતિબદ્ધ-સજ્જ છીએ. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભારતને જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રે વિશ્વગુરૂના સ્થાને બિરાજીત કરાવવા શિક્ષણ સુધારણાની નવિન પહેલ કરી છે. કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુનાઈટેડ કિંગડમ, નોર્વે અને ફ્રાન્સ જેવા દેશો આ કોન્ફરન્સમાં કન્ટ્રી પાર્ટનર તરીકે સહભાગી બન્યા છે.બ્રિટિશ કાઉન્સિલ, ટાઇમ્સ હાયર એજ્યુકેશન, વર્લ્ડ બેંક, યુનેસ્કો, યુનિસેફ, યુ.એન-વુમન, ધી ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ આ કોન્ફરન્સના આંતરરાષ્ટ્રીય પાર્ટનર્સ છે એટલું જ નહીં, સ્કીલ ઈન્ડિયા, NSDC, નીતિ આયોગ, AICTE, NBA, EDCIL અને i-Care નેશનલ પાર્ટનર્સ બન્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમીક ઈન્સ્ટીટ્યુસન્સ (ICAI-2022) ના ઉદઘાટન પ્રસંગે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી (SSIP 2.0)નું અનાવરણ કર્યું હતું. આ એક્ઝિબિશનમાં 54 જેટલી યુનિવર્સિટી-સંસ્થાઓના સ્ટોલ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ નવી સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન પોલીસીને વધુ પાંચ વર્ષ માટે અમલમાં મુકવામાં આવી છે. આ એક્ઝિબિશનમાં ગુજરાત યુનિવર્સિટી, બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી, ચરોતર યુનિવર્સિટી, એમ.એસ યુનિવર્સિટી, નિરમા યુનિવર્સિટી, નેશનલ ફોરેન્સ્ટિક સાયન્સ યુનિવર્સિટી, આઇ.આઇ.ટી.ગાંધીનગર, રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી, ચિલ્ડ્રન યુનિવર્સિટી, સેપ્ટ, જીટીયુ, મારવાડી યુનિવર્સિટી, ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટી, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, પી.આર.એલ તેમજ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સહિત 54 જેટલી યુનિવર્સિટી-સંસ્થાઓના સ્ટોલ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ઉચ્ચ શિક્ષણના પ્રકાશનો પ્રકાશિત કરતી સંસ્થા ગુજરાત યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ તેમજ એન.સી.આર.ટી ઉપરાંત ગુજરાત મેરિટાઇમ યુનિવર્સિટી, સ્પેસ એપ્લિકેશન સેન્ટર-ઇસરો, આઇ-હબના પણ સ્ટોલ અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ પ્રદર્શનમાં વિવિધ સંસ્થાઓ-યુનિવર્સિટીઓ દ્વારા પ્રદર્શિત કરાયેલી શૈક્ષણિક કામગીરી-પ્રવૃત્તિઓ અને તેમના આગામી આયોજનો મુલાકાતી-વિદ્યાર્થીઓ માટે ઉપયોગી નીવડશે.