Site icon Revoi.in

પીએમ મોદીએ બ્રિટનના વડાપ્રધાન સાથે કરી વાત, અફ્ઘાનિસ્તાન અને તાલિબાન મુદ્દે કરી ચર્ચા

Social Share

દિલ્હી:ભારતના વડાપ્રધાન અને બ્રિટનના વડાપ્રધાને ફોન પર અફઘાનિસ્તાન અને તાલિબાન મુદ્દે ચર્ચા કરી, જાણકારી અનુસાર બંને વિશ્વનેતાઓએ અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. બંને દેશોના વડાઓ તાલિબાન પ્રત્યે સંકલિત આંતરરાષ્ટ્રીય અભિગમની જરૂરિયાત પર સંમત થયા.

મહત્વની વાત એ છે કે,પીએમ મોદીએ યુકે દ્વારા ભારતીય રસીને માન્યતા આપવાનું સ્વાગત કર્યું. બ્રિટને ચાર દિવસ પહેલા જાહેરાત કરી હતી કે,ભારતીય પ્રવાસીઓ કે જેમણે કોવિશિલ્ડ અથવા તેના દ્વારા મંજૂર કરાયેલ અન્ય કોઈ રસીના બંને ડોઝ પ્રાપ્ત કર્યા છે તેમને 11 ઓક્ટોબરથી આગમન પર દસ દિવસના ક્વોરન્ટાઇનમાંથી પસાર થવાની જરૂર રહેશે નહીં.

ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ કહ્યું કે,નેતાઓએ અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ વિશે પણ વાત કરી. તેઓ તાલિબાન સાથે સંકલિત આંતરરાષ્ટ્રીય અભિગમની જરૂરિયાત પર સંમત થયા અને દેશમાં માનવાધિકારને જાળવી રાખવાના મહત્વ પર ભાર મૂક્યો.

પીએમ મોદીએ ફોન પર વાત કર્યા બાદ ટ્વિટ પણ કર્યું અને કહ્યું કે ‘વડાપ્રધાન બોરિસ જોનસન સાથે વાત કરીને આનંદ થયો. અમે ભારત-યુકે એજન્ડા 2030 પર પ્રગતિની સમીક્ષા કરી અને ગ્લાસગોમાં COP-26ના સંદર્ભમાં આબોહવા મુદ્દાઓ પર વિચારોની આપલે કરી. અફઘાનિસ્તાન સહિતના પ્રાદેશિક મુદ્દાઓ પર પણ મૂલ્યાંકનો શેર કર્યા.

અત્યારે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના કાર્યવાહક વિદેશ મંત્રી મુલ્લા અમીર ખાન મુત્તકી તેમના પ્રતિનિધિમંડળ સાથે કતારમાં હાજર છે. અહીં આમિર ખાન મુત્તકીની વાતચીત અમેરિકા સહિત ઘણા દેશો સાથે ચાલી રહી છે. તાલિબાન સરકારના કાર્યકારી વિદેશ મંત્રી મુત્તકીનો ઉદ્દેશ કાબુલની નવી સરકારને આંતરરાષ્ટ્રીય માન્યતા આપવાનો અને લગભગ 10 અબજ ડોલરના ભંડોળ પરનો પ્રતિબંધ હટાવવાનો છે.